કચ્છની ધરાના પેટાળમાં સતત થઈ રહેલા સળવળાટના કારણે જિલ્લાની જમીનમાં લગાતાર ભૂકંપના આંચકાઓ સિસમોલોજી કચેરી ખાતે નોંધાતા રહે છે. આજે વધુ આંચકાએ કચ્છમાં પોતાનો ભય કાયમ રાખ્યો હતો. જિલ્લાની સામે પાર આવેલા પાકિસ્તાન સરહદે કેન્દ્રબિંદુ ધરાવતો 2.6ની તિવ્રતાનો લઘુ આંચકો પરોઢે 5.39 મિનિટે નોંધાયો હતો. ભુજના દુર્ગમ ખાવડાથી 56 કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય સીમાએ ધરા ધ્રુજી ઉઠી હતી.
ભૂકંપના જાણે પર્યાય બની ચૂકેલા કચ્છ જિલ્લામાં સમયાંતરે સામાન્યથી મધ્યમ કક્ષાના ધરતીકંપના આંચકા નોંધાતા રહે છે. વર્તમાન માસ દરમિયાન આજે ત્રીજી વખત ધરા ધ્રુજવાની ઘટના બની હતી. આ પૂર્વે તા. 7ના પરોઢે 4.18 મિનિટે ધોળાવીરા નજીક 2.7ની તિવ્રતાના આફ્ટર શોક પહેલા તા.3ના છેવાડાના લખપત તાલુકાના દયાપર પાસે 2.8ની તિવ્રતા સાથે ધરતી ધ્રુજી હોવાનું ગાંધીનગર સ્થિત સિસમોલોજી કચેરી ખાતે નોંધાયું હતું.






Leave a comment