કચ્છનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.32 અને સામાન્ય પ્રવાહનું 94.23 ટકા પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 2024 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 9મે ગુરુવારે જાહેર કરાયું છે. જેમાં કચ્છ જિલ્લાનો ક્રમ ગત વર્ષ કરતા રાજ્યમાં નીચે જરૂર આવ્યો હોય પરંતુ ટકાવારી ની દ્રષ્ટિએ 10 થી 14 ટકા જેટલો વધારો થયો છે. આજે જાહેર થયેલા પરિણામમાં જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.32 ટકા જે ગત વર્ષ કરતા 14 ટકા ઊંચું આવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 94.23 ટકા આવ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ 10 ટકા ઊંચું આવ્યું છે.

ભુજની પલક રાકેશભાઈ બુધભટ્ટી એ કહ્યું કે આજે મારા માટે સુવર્ણ સુવર્ણ દિવસ છે કે આટલા સારા ગુણ સાથે હું પાસ થઈ છું આ માટે મારા માતા પિતા શાળા સંચાલકો અને શાળા શિક્ષકોને મહેનતને હું આભારી માનું છું. તો હેંસી પ્રફુલભાઈ રાજગોરે મને સામાન્ય પ્રવાહમાં 94.43 ટકા માર્ક આવ્યા છે. સારા માર્ક આવતા મારુ સીએ બનવાનું સપનું પૂર્ણ થશે એવી મારી આશા વધુ મજબૂત બની છે.

ભુજની ઇવા કમલેશ ગોરે કહ્યું કે, શરૂઆત થીજ અભ્યાસમાં તનતોડ મહેનત કરી હતી જેના પરિણામે મને સામાન્ય પ્રવાહમાં 90.56 ટકા માર્ક આવ્યા છે. અભ્યાસમાં મહેનત જરૂર સારું પરિણામ લાવે છે. તેમજ મારા શાળાના શિક્ષકો અને આચાર્ય ના માર્ગદર્શન મારા માટે સારું પરિણામ લાવવા ખૂબ મહત્વના સાબિત થયા છે.

જિલ્લા ઇન્ચાર્જ અધિકારીએ ટકાવારીમાં વધારા સાથે સારું પરિણામ જણાવ્યું

ભુજ સ્થિત ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભુપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 21 છાત્રો A1 કેટેગરીમાં આવ્યા છે જ્યારે 110 છાત્રો A2 કેટેગરી માં આવ્યા છે. તેજ રીતે સામાન્ય પ્રવાહમાં 136 વિદ્યાર્થીઓ A1 કેટેગરીમાં અને 1344 A2 કેટેગરીમાં આવ્યા છે. જે ગત વર્ષની તુલનાએ ખૂબ સારા પરિણામ આવ્યા છે.

Leave a comment

Trending