ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2024 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 9મે ગુરુવારે જાહેર કરાયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર સવારે 9 કલાકે આ પરિણામ મુકાયું હતું. પરિણામની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા. જેમાં સામાન્ય પ્રવાહનું પ્રથમવાર રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે. 12 સાયન્સમાં આ વખતે છોકરીઓ સામે છોકરાઓએ બાજી મારી છે. સામાન્ય પ્રવાહની 1 હજારથી વધુ સ્કૂલનું પરિણામ 100% આવ્યું છે. ધાર્યા કરતાં વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગરબે ઘૂમ્યાં હતાં ને એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી.
ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પણ ખુશીના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ જાહેર થશે. બોર્ડની વેબસાઈટ પર જઈને સવારે 8 વાગે તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો.
ગુજરાત બોર્ડનું ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જોહેર થઈ ગયું છે. બોર્ડની પરીક્ષાના પરિણામ બાદ આ વર્ષે પૂરક પરીક્ષા પણ વહેલી લેવામાં આવે તેવી પણ શક્યતા છે. આ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ જેટલા વિષયમાં નાપાસ હોય તે તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. તદુપરાંત વિદ્યાર્થીઓ સમગ્ર પરીક્ષા ફરીથી આપી શકશે અને તેમાંથી જે પરિણામ ઊંચુ હશે તેને જ ધ્યાને લેવાશે.






Leave a comment