રશિયાએ કહ્યું- અમેરિકા ભારતની ચૂંટણીમાં અવરોધ ઊભા કરી રહ્યું છે

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં રશિયાએ ભારતનું સમર્થન કર્યું છે. રશિયાના વિદેશ મંત્રાલયે ભારત વિરુદ્ધ અમેરિકાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

રશિયાએ કહ્યું છે કે અમેરિકા ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરી રહ્યું છે અને સામાન્ય ચૂંટણીમાં અડચણ ઊભી કરવાના પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા પાયાવિહોણા આરોપો લગાવીને ભારતનું અપમાન કરી રહ્યું છે.

રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાને પન્નુની હત્યાના કાવતરાના આરોપો અંગે પ્રેસ બ્રીફિંગ દરમિયાન પૂછપરછ કરવામાં આવી હતી. આના જવાબમાં ઝખારોવાએ કહ્યું, “અમારી જાણકારી મુજબ, અમેરિકાએ હજુ સુધી એવો કોઈ પુરાવો રજૂ કર્યા નથી, જે સાબિત કરી શકે કે પન્નુની હત્યામાં ભારતનો હાથ હતો. અમેરિકાની ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનની વાત ભારત મામલે તેની ગેરસમજણ દર્શાવે છે. અમેરિકા આવું કરીને એક સાર્વભૌમ દેશ તરીકે ભારતનું અપમાન કરી રહ્યું છે.

રશિયાના વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે અમેરિકા માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય ઘણા દેશો પર ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનના પાયાવિહોણા આરોપો લગાવી રહ્યું છે. તેમની કાર્યવાહી સ્પષ્ટપણે ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી દર્શાવે છે.

અમેરિકાની સરકારે આરોપ લગાવ્યા હતા કે ન્યૂયોર્કમાં પન્નુ પર ઘાતક હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આમાં ભારતનો હાથ હતો. જો કે આ ષડ્યંત્રને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું હતું. આ પછી 29 નવેમ્બરે હત્યાના કાવતરાના કેસમાં ન્યૂયોર્ક પોલીસની ચાર્જશીટ સામે આવી હતી.

જેમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. તેમાં લખ્યું છે – ભારતના એક પૂર્વ CRPF ઓફિસરે તેને પન્નુની હત્યાનો પ્લાન ઘડવા કહ્યું હતું. અમેરિકાના ઈશારે પન્નુની હત્યાનું કાવતરું ઘડનાર નિખિલ ગુપ્તાની ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી.

અમેરિકા છેલ્લા કેટલાક સમયથી નિખિલના પ્રત્યાર્પણમાં વ્યસ્ત હતું, પરંતુ ચેક રિપબ્લિકની સુપ્રીમ કોર્ટે નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણના નિર્ણય પર રોક લગાવી દીધી છે.

રિપોર્ટ- પન્નુની હત્યાના કાવતરામાં RAWનો હાથ હતો હાલમાં અમેરિકન મીડિયા હાઉસ વોશિંગ્ટન પોસ્ટે એવો દાવો કર્યો હતો ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં ભારતીય તપાસ એજન્સી RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)નો હાથ હતો. રિપોર્ટ અનુસાર પન્નુની હત્યાનું સમગ્ર પ્લાનિંગ RAWના વરિષ્ઠ અધિકારી વિક્રમ યાદવે કર્યું હતું.

વિક્રમે પન્નુને મારવા માટે એક હિટ ટીમ હાયર કરી. યાદવે પન્નુ વિશેની માહિતી ભારતીય એજન્ટ નિખિલ ગુપ્તાને મોકલી હતી, જેમાં તે ન્યૂયોર્કમાં હોવાનો ખુલાસો થયો હતો. આ પછી નિખિલ ગુપ્તાએ પન્નુને મારવા માટે એક એજન્ટનો સંપર્ક કર્યો. જો કે, પ્લાનિંગ સફળ થાય તે પહેલાં જ નિખિલ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી.

વોશિંગ્ટન પોસ્ટના આ અહેવાલ પર ભારતની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “રિપોર્ટમાં એક ગંભીર બાબતને લઈને ભારત પર ખોટા અને વાહિયાત આરોપો લગાવવામાં આવ્યા છે.”

Leave a comment

Trending