કચ્છ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ અભૂતપૂર્વ 85.31 ટકા સાથે જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. આ વર્ષે એટલે કે 2024ના વર્ષનું છેલ્લા 30 વર્ષનું રેકોર્ડબ્રેક રિઝલ્ટ આવ્યું છે. કચ્છ જિલ્લાનું પરિણામ છેલ્લી 4 પરીક્ષા કરતા અભૂતપૂર્વ 85.31 ટકાના ઊંચા સ્તરે નોંધાયું છે. જે ગત વર્ષ કરતા 16.6 ટકા ઊંચું રહ્યું છે.

જીવનકાળના પડાવમાં સૌથી મહત્વની ગણાતી ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. તેમાં કચ્છ જિલ્લાનું પરિણામ 85.31 ટકા સાથે ઊંચ ગુણાંક વાળું આવતા પાસ થયેલા વિદ્યાર્થીઓ અને વાલી ગણમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. જિલ્લામાં કુલ 18,856 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, તેમાં 18741 છાત્રોએ પરીક્ષા આપી હતી. તેમાં 85.31 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. નોંધનીય છે કે 423 છાત્રો A1 કક્ષાએ અને 1992 છાત્રો A2ની કક્ષાએ ઉત્તીર્ણ થયા છે. દરમિયાન વહાલસોયા સંતાનો ધોરણ 10ની મહત્વની બોર્ડ પરીક્ષામાં સફળતા પૂર્વક પાસ થતા ઘર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. સારા માર્ક સાથે પાસ થયેલા છાત્ર-છાત્રાઓ પોતાના શાળાના શિક્ષકો, આચાર્ય અને ટ્યુશન ક્લાસના શિક્ષકોના આશીર્વાદ લેવા દોડી ગયા હતા. ભુજમાં સવાબે મુસ્તફા એકેડેમી મારફતે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટ્યૂશન કરાવતા સ્નાતક રાયમાં સિકંદર પાસેના તમામ ધો.10ના છાત્રો પાસ થતા આશિષ લેવા પહોંચ્યા હતા.

Leave a comment

Trending