NSE પર લિસ્ટેડ શેરોમાં મ્યુચ્યુઅલ ફંડોનું હોલ્ડિંગ અત્યારસુધીની ટોચે

ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે ત્યારે એનએસઈ પર લિસ્ટેડ શેરોમાં હોલ્ડિંગની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘરેલું મ્યુચ્યુઅલ ફન્ડસનું હોલ્ડિંગ વધીને અત્યારસુધીની ઊંચી સપાટીએ પહોંચ્યું છે જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો  (એફઆઈઆઈ) અને ઘરેલું સંસ્થાકીય રોકાણકારો  (ડીઆઈઆઈ)ના હોલ્ડિંગ્સ વચ્ચેનું અંતર ઘટીને અત્યારસુધીની નીચી સપાટીએ પહોંચી ગયું છે એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.

એનએસઈ પર  લિસ્ટેડ કંપનીઓની ઈક્વિટીસમાં ઘરેલું મ્યુચ્યુઅલ ફન્ડોનું હોલ્ડિંગ્સ માર્ચ ૨૦૨૪ના અંતે વધી ૮.૯૨ ટકા રહ્યું હતું જેડિસેમ્બરના અંતે ૮.૮૧ ટકા હતું. માર્ચ ત્રિમાસિક ગાળામાં રૂપિયા ૮૧૫૩૯ કરોડના મજબૂત નેટ ઈન્ફલોસને કારણે હોલ્ડિંગ્સમાં વધારો જોવા મળ્યો છે. મ્યુચ્યુઅલ ફન્ડોની જંગી ખરીદીને પરિણામે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો વધી ૧૬.૦૫ ટકા પહોંચી ગયો છે. માર્ચ ત્રિમાસિકમાં ડીઆઈઆઈનો ઈન્ફલોસ ઈક્વિટીસ કેશમાં  રૂપિયા ૧.૦૮ લાખ કરોડ રહ્યો હતો.

બીજી બાજુ એફઆઈઆઈનો હિસ્સો માર્ચના અંતે ઘટી ૧૭.૬૮ ટકા સાથે ૧૧ વર્ષની નીચી સપાટીએ જોવા મળ્યો હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

આને પરિણામે એફઆઈઆઈ તથા ડીઆઈઆઈના હોલ્ડિંગ્સ વચ્ચેનો તફાવત ઘટી ૯.૨૩ ટકા સાથે અત્યારસુધીની નીચી સપાટીએ રહ્યો છે. જો કે ડીઆઈઆઈની સરખામણીએ વિદેશી રોકાણકારોની હોલ્ડિંગ ટકાવારી હજુ પણ ઊંચી છે.

૨૦૧૫ના માર્ચમાં આ તફાવત ૪૯.૮૨ ટકા  હતો. જો કે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોના ભારતીય બજારમાં સહભાગમાં વધારા સાથે અંતરમાં ઘટાડો થતો ગયો છે.

ડીઆઈઆઈની સક્રિયતાને જોતા એ દિવસો દૂર નથી જ્યારે વિદેશી રોકાણકારો કરતા ઘરેલું રોકાણકારોના હોલ્ડિંગ્સની ટકાવારી ઊંચી જોવા મળશે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

Leave a comment

Trending