સુખદ માતૃત્વ માટે શારીરિક રીતે જ નહિ
માનસિક રીતે પણ સજ્જ થવું પડે:
કોઈપણ મહિલાને માતા બનવા માટે શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ તૈયાર થવું પડે છે. જો તેઓ આયોજનબદ્ધ રીતે આગળ વધે તો ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ પછીના પડકારને પહોંચી વળે છે. વાસ્તવમાં સુખદ માતૃત્વનો આધાર જ આ છે, એમ જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના ગાયનેક વિભાગના તબીબોએ જણાવ્યું હતું.
જી.કે.ના સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ચાર્મી પાવાણી અને ડો. પ્રફુલ્લા ભિંડેના જણાવ્યા મુજબ કેટલીક સ્ત્રીઓ માં બનવાની સંપૂર્ણ પ્રક્રિયાને એક જવાબદારી અને ભારરૂપ સમજે છે, પરંતુ એમ માનવને બદલે શારીરિક પ્રક્રિયા સમજીને આગળ વધે તો પ્રોત્સાહક પરિણામો પ્રાપ્ત થાય છે.
માતા બનવા જઈ રહેલી મહિલાઓએ રાખવાની થતી સાવધાની અંગે તબીબોએ કહ્યું કે, મહિલાઓ જેવું વિચારે છે, ખાન પાન રાખે છે અને જેવી જીવનશૈલી અપનાવે છે એ અનુરૂપ જ ભ્રુણ વિકાસ પામે છે. ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં ઉત્પન્ન થતા હોર્મોન્સને કારણે ક્યારેક અસહજતા ઉત્પન્ન થાય છે. યોગ, ધ્યાન વિગેરેની મદદથી અને તબીબોની સલાહ પરામર્શથી તે પાર પાડી શકાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ જાળવી રાખવું બહુ જરૂરી હોય છે. બી.પી. ડાયાબિટીસ હોય તો તબીબો સાથે સલાહ મસલત કરી નિયંત્રણમાં રાખવું. કોઈ પણ દવા લેતા હો તો ચિકિત્સકોને ખુલ્લા મને જણાવી દેવું. થેલેસેમિયાનું સ્ક્રિનિંગ કરાવી લેવું પણ જરૂરી હોય છે.એમ ડો.વિનોદ મકવાણાએ કહ્યું હતું.
માતા બનવાના સમયગાળામાં અનેક અડચણો આવે છે, પરંતુ સકારાત્મક વિચારો સાથે આગળ વધવું જ પડશે. આજકાલ પ્રદુષણને કારણે ખાવા પીવામાં અનેક પ્રશ્નો ઉભા થાય છે. કર્મચારી મહિલાઓએ તો અનેક પ્રકારના પડકારનો સામના કરો પડેછે તેનાથી પણ અવગત થવું પડશે અને મનને એ રીતે મજબૂત કરવું જ પડશે. છેવટે માતા બનવું એ સુખદ અનુભવ અને જવાબદારી છે.
ગર્ભાવસ્થામાં સતત પાણી પીતા રહેવું, શાકભાજી,ફળફળાદી અને પૌષ્ટિક આહાર દ્વારા શરીરને રોગપ્રતિકારક બનાવવું એટલું જ જરૂરી બને છે.






Leave a comment