ઇન્ડિગો ફ્લાઇટમાં ટેક્નિકલ ફોલ્ટને કારણે મુંબઇથી રાજકોટ નહિ આવતાં હિરાસર એરપોર્ટ પર મુસાફરો રઝળી પડતાં દેકારો મચી ગયો હતો. સોમવારે સાંજે 7.45 વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ મુંબઇથી રાજકોટ આવવાની હતી, પરંતુ ફ્લાઇટમાં ટેક્નિકલ ફોલ્ટ સર્જાવાને કારણે રાજકોટ મોડી આવવાની હોવાની રાજકોટ એરપોર્ટ પર જાહેરાત કરાઈ હતી. ત્યારે રાત્રીના પોણા અગિયાર વાગ્યા સુધી ફ્લાઇટ નહિ આવતા અને ઇન્ડિગો દ્વારા કોઇ જાણ કરવામાં ન આવતા મુસાફરો એરપોર્ટમાં અકળાયા હતા.
એરપોર્ટ પર મુસાફરોને કોઇ યોગ્ય જવાબ નહિ મળતાં મુસાફરોએ એરપોર્ટ સ્થિત ઇન્ડિગોના સ્ટાફ સાથે માથાકૂટ કરી હતી. તેમ છતાં મુસાફરોને કોઇ જવાબ નહિ મળતાં દેકારો મચાવ્યો હતો. આ ફ્લાઇટમાં જનાર કેટલાક મુસાફરોને મુંબઇથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડવાની હતી. જે છૂટી જવાના કારણે એરપોર્ટ પર વાતાવરણ વધુ ગરમાયું હતું. અંતે ઇન્ડિગો દ્વારા ફ્લાઇટને રદ જ કરી દેવાની જાહેરાત કરવામાં આવતા મુસાફરો વિફરી ઇન્ડિગો સ્ટાફ પર આક્રોશ ઠાલવ્યો હતો. દરમિયાન સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, ઇન્ડિગોની ફ્લાઇટે મુંબઇ એરપોર્ટથી ટેક ઓફ કરી દીધી હતી, પરંતુ ટેક્નિકલ ફોલ્ટ થવાને કારણે ઇન્ડિગો ફ્લાઇટના પાઇલટને પરત મુંબઇ એરપોર્ટ ઉપર લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ કરવાતાં 100થી વધુ મુસાફર મુશ્કેલીમાં મુકાયા હતા.






Leave a comment