ભુજ અદાણી સ્કિલ ડેવ. સક્ષમના ૯મા મંગલ વર્ષ પ્રવેશ પ્રસંગે કાર્યક્રમ યોજાયો

કારકિર્દી બનાવવા માટે સેવેલા સપનાને સાચા પડતા જોવા તેને આત્મસાત કરો અને મનમાં એ પ્રકારનું સતત રટણ કરી તેવું જ ચિત્ર ઊભું કારસો તો  સપનું સાકાર થશે  એમ અદાણી સ્કિલ ડેવલપમેન્ટના તાલીમાર્થીઓને સંદેશો આપતા જિલ્લા અને મહિલા બાળ કલ્યાણ અધિકારી અવનીબેન રાવલએ જણાવ્યું હતું.

        અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. એ. એન. ઘોષ અને જિલ્લાના જાણીતા ઉદ્યોગપતિ દીપેશભાઈ શ્રોફની ઉપસ્થિતિમાં  યુવાનોમાં રહેલા કૌશલ્યને વિકસાવવા સ્કિલ ડેવ. સેન્ટર (સક્ષમ) પ્રોજેક્ટના  ૧૬મી મે ના રોજ નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ  નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં અવનીબેને યુવાનોને સકારાત્મક અને માનસિક રીતે મજબૂત બનવાની શીખ પણ વધુમાં આપી હતી.

        મેડિકલ કોલેજના લેક્ચર હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં દિપેશ શ્રોફે કહ્યું કે, સ્કિલ ડેવ. દ્વારા ચાલતા જનરલ ડ્યુટી નર્સિંગ આસિસ્ટન્ટ કોર્સના માધ્યમથી બનતી નર્સ ખરા અર્થમાં સેવાની મૂર્તિ છે. તબીબો ચોક્કસ યશના ભાગીદાર છે પણ નર્સ બહેનોના કામને પણ કમ આંકી શકાય એમ નથી. તેમણે યુવાનોને મહેનત કરવા ઉપર પણ ભાર મૂક્યો હતો.

        પ્રારંભમાં ભુજ સ્કિલ ડેવ. સક્ષમના જુનિયર ઓફિસર- ઓપરેશનના ડો. પૂર્વી ગોસ્વામીએ મહેમાનોને આવકારી સક્ષમ સેન્ટર વિશે માહિતી આપતા કહ્યું કે, આ સેન્ટર કમાણી નહીં પણ ક્વોલિટી ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને યુવાનોને પગભર બનાવવાનું મહાદાન અર્પણ  કરે છે. જે તેની 68% રોજગારીની સફળતાની સાક્ષી પૂરે છે.

        આ પ્રસંગે તાલીમાર્થી નિશાબેન જોશીએ પોતાની સાફલ્ય ગાથા કહી પ્રોત્સાહન આપ્યું હતું. આ સાથે સિવિલ ડિફેન્સની તાલીમ પ્રાપ્ત યુવાઓને પ્રમાણપત્ર વિતરણ કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન ડેવ.ના ટ્રેનીંગ એસોસિયેટ મનીષ બાવલે કર્યું હતું.

Leave a comment

Trending