– લેબ.ટેક. ઉપરાંત ડિપ્લોમા ઈન રેનલ ડાયાલિસિસ અને રેડિયો ઇમેજ ટેક.ના પ્રવેશનો કચ્છ યુનિ.દ્વારા પ્રારંભ
વર્તમાન મેડિકલ યુગમાં દર્દીની સારવાર લેબોરેટરી પરીક્ષણ માર્ગેથી પસાર થતી હોવાથી લેબોરેટરી ટેકનિશિયન્સનું મહત્વ વધવા લાગ્યું છે. અદાણી મેડિકલ કોલેજમાં અંતિમ છ વર્ષ દરમિયાન ઉતિર્ણ થયેલા ટેકનિશિયન્સ પૈકી ૯૫ ટકાને મેડિકલના વિવિધ ક્ષેત્રોમાં નિયુક્તિ મળી ગઈ છે.
અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન. ઘોષના જણાવ્યા મુજબ ભુજ મેડિકલ કોલેજમાં ડી.એમ.એલ.ટી.નો છેલ્લા ૭ વર્ષથી અભ્યાસક્રમ ચાલે છે. પ્રથમ બેચની શરૂઆત ૨૦૧૭-૧૮માં થઈ હતી. અને ૨૦૨૨-૨૩ સુધીમાં સુધી છ બેચમાં ૧૭૦ વિદ્યાર્થીઓ પાસ થયા હતા તે પૈકી ૯૫ ટકા કચ્છ સહિત વિવિધ જગ્યાએ રોજગારી મેળવતા થયા છે.
સમગ્ર જિલ્લામાં કચ્છ યુનિવર્સિટી સંલગ્ન આ અભ્યાસક્રમ ભુજ મેડિકલ કોલેજમાં ચાલે છે. અત્યાર સુધી પાસ થયેલા ટેકનિશિયન્સ સામૂહિક પ્રાથમિક તેમજ અન્ય આરોગ્ય કેન્દ્રમાં નિયુક્ત થયા છે તો કેટલાક ખાનગી હોસ્પિટલમાં અને બ્લડ બેન્કમાં રોજગારી મેળવે છે.
આ કોર્ષના કોઓર્ડીનેટર શિલ્પાબેન સુપેકરે કહ્યું કે, રોજગારીની તકો વધતા મેડિકલ કોલેજના આ ડિપ્લોમા ઈન.લેબ. ટેક.ના અભ્યાસક્રમની માંગ ખૂબ વધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાતમી બેચનો અભ્યાસ ક્રમ પ્રગતિમાં છે અને આઠમી બેચ માટે કચ્છ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
અદાણી મેડિકલ કોલેજમાં લેબ.ટેક ઉપરાંત ડિપ્લોમા ઈન રેડિયો ઇમેજ ટેકનોલોજી અને ડિપ્લોમા રેનલ ડાયાલિસિસ ટેકનોલોજીના અભ્યાસક્રમ માટે પણ લેબ ટેક.ની માફક બી.એસ.સી. પછી પ્રવેશ આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૪ -૨૫ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ ઉપર પ્રવેશ આપવામાં આવે છે.






Leave a comment