રાજ્યના વનવિભાગે 15500 વર્ગ કિ.મી.માં ગણતરી યોજી અંદાજ મેળવ્યો

ઘુડખર અભ્યારણ્યમાં બુધવારે બે દિવસીય ઘુડખર વસ્તી ગણતરી સંપન્ન થઇ, અંગ દઝાડતી ગરમીમાં ભુજના કાળાડુંગરથી લઈને અમદાવાદ નજીક નળસરોવર અને બનાસકાંઠાથી મોરબીના છેવાડા સુધી રાજ્યના સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, બનાસકાંઠા અને પાટણ સહીત પાંચ જિલ્લાના વિસ્તારને આવરી લઇ કુલ 15500 વર્ગ કિ.મી.માં ગણતરી યોજાઇ હતી. ઘુડખરને ગણવા માટે ૩૬૨ ટીમોએ પસીનો વહાવ્યો હતો. જો કે આવા તાપમાં રણમાં વૃક્ષ પર બજાણા નજીક રાજગીધ અને સફેદપીઠ ગીધ જોઈ ખુદ અધિકારીઓ પણ આશ્ચર્ય પામ્યા હતા.

કચ્છ વર્તુળનાં સીસીએફ સંદીપ કુમારે જણાવ્યું કે, દુર્લભ કહી શકાય તેવું દ્રશ્ય રણમાં જોવા મળ્યું, જેમાં ટીમોને રાજગીધ અને સફેદપીઠ ગીધ જોવા મળ્યા હતા. સામાન્ય રીતે આ ગીધ શિયાળાની ઋતુમાં નોંધાતા હોય છે. ઘુડખર અભયારણ્યના ડીસીએફ ધવલ ગઢવીએ જણાવ્યું કે, ઘુડખરના વિસ્તારમાં વસ્તીગણતરી માટે કુલ ૩૬૨ ટીમ જોડાઈ હતી. જેમાં રાજ્યના વિવિધ ૧૮ વિસ્તારના નાયબ વન સંરક્ષક, નિષ્ણાતો, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહીત વનવિભાગ સ્ટાફ જોડાયો હતો. ઘુડખરની છેલ્લી વસ્તી 2020માં 6082 જાહેર થઇ હતી.

ન માત્ર ઘુડખર આ વર્ષે લોંકડી, ઝરખ, ચિંકારા, વરુ સહીત વન્યજીવો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જો કે સૂત્રો અનુસાર, દરેક ઝોનમાં આ વર્ષે ઘુડખર વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુરુવારે આ મુદ્દે અધિકારીઓની સંકલિત બેઠક યોજાશે અને ત્યારબાદ અઠવાડિયા સુધી મેળવાયેલ ડેટા એનાલિસિસ પ્રારંભિક તબક્કે કરવામાં આવશે. ટોચના અધિકારીઓ આ ડેટા સંકલિત કરી રાજ્યસરકારને રિપોર્ટ સુપ્રત કર્યા બાદ અંતે આધિકારિક આંકડા જાહેર થશે. કચ્છના નાના રણમાં વર્ષ 1976માં ઘૂડખરની સંખ્યા 720 હતી.

Leave a comment

Trending