કેન્યાના કિંટાન્ગેલામાં 20 કરોડના ખર્ચે બનાવાયેલું સનાતન હિન્દુ મંદિર ખુલ્લું મૂકાશે

પૂર્વ આફ્રિકાના કેન્યાની રાજધાની નૈરોબીથી 40 કિ.મી. પૂર્વમાં કજીઆડો જિલ્લાના કિંટાન્ગેલા શહેરમાં કચ્છી, ગુજરાતી સહિતના ભારતીયોએ સનાતન હિન્દુ મંદિરનું નિર્માણ કર્યું છે, જેના ઉદ્દઘાટન પ્રસંગે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. અહીં રહેતા 250 જેટલા પરિવારો અને નૈરોબીમાં વસતા કચ્છી પટેલોએ મંદિરના નિર્માણ માટે માતબર રકમનું દાન આપ્યું છે. નિર્માણ પામેલા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.31-05થી તા.02-06 સુધી સ્થાનિક સનાતન હિન્દુ કમિટી દ્વારા ઉજવાશે. મહોત્સવના પ્રથમ દિવસે નવચંડી યજ્ઞ, બીજા દિવસે શોભાયાત્રા અને રાસ-ગરબાનું આયોજન કરાયું છે.

અંતિમ દિને મહાઅભિષેક સાથે રામ-સીતા દરબાર અને મહાદેવ સહિત શ્રીકૃષ્ણ, મા જગદંબા અને વિવિધ દેવ-દેવીઓની પ્રતિમાની મંત્રોચ્ચાર સાથે પ્રતિષ્ઠા કરાશે. આચાર્ય શાસ્ત્રી ભૂપેન્દ્ર જોષી ધાર્મિક વિધિ સંપન્ન કરાવશે. પંચાયતી મોટા અખાડાના મહંત માધવદાસજીના શિષ્ય કિશનમુનિ મહારાજ ભારતથી કેન્યા જઇ મહોત્સવમાં હાજર રહેશે.

સ્થાનિક મંદિર કમિટી અને મહોત્સવ સમિતિના ચેરમેન મયૂષ પટેલ, માધાપરના મેઘજી મસાઇએ જણાવ્યું હતું કે, મહોત્સવને સફળ બનાવવા માટે નૈરોબી-મોમ્બાસા લેવા પટેલ કોમ્યુનિટીનો સહયોગ મળી રહ્યો છે. દાતાઓ હસુ ભુડિયા, આર.ડી. વરસાણી, કે.કે. પટેલ, કુલદીપસિંઘ અમીત ત્યાગી, પાંચાણી પરિવાર, મસાઇ ગ્રૂપ, વિનોદ દયાળુ, ભીમજી હાલાઇ, કુંવરજી જેસાણી, કાંતિ કેરાઇ, કરશનભાઇ, રામજી વસ્તાણી, નારાણ વડદોડિયા, જયંતી કેરાઇ વગેરેએ સહયોગ આપ્યો છે.

Leave a comment

Trending