લંડન સ્કોટલેન્ડમાં રજિસ્ટર થયેલી અને દાબેંક અને સિસ્કોમ કંપનીમાં પૈસાનું રોકાણ કરવાથી પાઉન્ડમાં અનેક ગણું વળતર મળશે, તેવી લોભામણી જાહેરાતો કરીને ગુજરાતના 15 હજાર જેટલા લોકો પાસેથી રૂ.30 કરોડ ઉઘરાવી લઈ છેતરપીંડી કરનારા કંપનીના 11 સંચાલક સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ થઈ છે. કંપનીના સંચાલકોએ વળતર તેમજ મેમ્બરોની ચેઈન બનાવવા ઉપર કમિશન આપવા ઉપરાંત વિદેશ ટુર, સોનુ, મર્સિડિસ, બીએમડબલ્યુ, રોલ્સરોયલ જેવી વૈભવી ગાડીઓ આપવાની લોભામણી જાહેરાતો પણ કરી હતી. નિકોલ ઈશ્વરકૃપા ટેનામેન્ટમાં રહેતા અને નિવૃત્ત જીવન વિતાવતા સિનિયર સિટીઝન ખીમજીભાઈ કરથીયા (64) એ સીઆઈડી ક્રાઈમમાં દાબેંક, સિસ્કોમ તેમજ કંપનીના સંચાલક અખ્તર હુસેન મંડલ, દિપક મહાજન, સંજીવ કટરે, હરિસિંગ સિસોદીયા, રાજેશ પાંડે, રાજેન્દ્ર રામકિષ્ણ પાલેવાલ, રાજકુમાર દાદુ લોખંડે, રવિન્દ્ર શિવાજીરાવ દેશમુખ, વિનય ભીખાભાઈ પ્રજાપતિ, ધ્રુવ વિનયભાઈ પ્રજાપતિ અને અશોકભાઈ પ્રેમજીભાઈ જોશી વિરુધ્ધ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર, આ લોકોએ અમદાવાદની જુદી જુદી હોટલોમાં સેમિનાર કરીને લોકો પાસેથી રોકાણ કરાવતા હતા.
વોલેટમાં રકમ દેખાતી પરંતુ ઉપાડી શકતા ન હતા
આ કંપનીમાં રોકાણ કરનારને ઓનલાઈન વોલેટમાં નફો અને વળતરની રકમ દેખાતી હતી, પરંતુ તે રકમ કોઈ ઉપાડી શકતું ન હતું. આ જ રીતે કંપનીના સંચાલકો અને પ્રોપરાઈટરોએ દેશભરમાં લોકો સાથે છેતરપીંડી કરીને પૈસા પડાવ્યા હતા.
કંપનીના માલિકો મીટિંગ માટે અમદાવાદ આવતા કંપનીના પ્રોપરાઈટરો અને સંચાલકો પૈકી અખ્તર હુસેન, હરિસિંગ સિસોદીયા, સંજીવ કટરે અવાર નવાર મીટિંગ કરવા માટે અમદાવાદની હોટલોમાં આવતા હતા. આ સિવાય તેઓ ઝુમ સહિતની ઓનલાઈન એપ્લિકેશનથી પણ ગ્રૂપ મીટિંગ કરતા હતા.
મેમ્બર બનાવવા શોપિંગ એપ શરૂ કરી હતી આ સંચાલકોએ મેમ્બરોની ચેઈન ઉભી કરવા માટે ઓનલાઈન શોપિંગ એપ શરૂ કરી હતી. જેમાં ઓનલાઈન પ્રોડક્ટ ખરીદીને ઓનલાઈન પેમેન્ટ કરવાનું હતું. ઓનલાઈન શોપિંગ એપ અને પેમેન્ટ બંને ઓન લાઈન વોલેટ થ્રૂ જ ઓપરેટ કરવામાં આવતા હતા.






Leave a comment