પશ્ચિમ બંગાળના સાગર આઈલેન્ડથી 660 કિ.મી.દૂર બંગાળની ખાડીમાં આજે ડીપ્રેસન (વાવાઝોડાનું પ્રારંભિક રૂપ) કલાકના 16 કિ.મી.ની ઝડપે આગળ વધ્યું હતું અને તા. 25ની રાત્રિ સુધીમાં આ વાવાઝોડુ સિવિયર સાયક્લોનનું ભીષણ રૂપ ધારણ કરશે તેવું પૂર્વાનુમાન આજે મૌસમ વિભાગે જાહેર કર્યું છે. જો કે ગુજરાતને તેની અસર થવાની શકયતા નથી તેમજ ગુજરાતના કાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન કે લો પ્રેસર સર્જાય તેવી પણ કોઈ સીસ્ટમ ન હોય રાજ્યમાં ગરમીનો કહર જારી રહેશે.
વાવાઝોડાના પવનની ચક્રાકાર ગતિ આજે કલાકના 80 કિ.મી. સુધી પહોંચી છે અને તા.૨૬ના તે મહત્તમ સ્પીડ 110 -120 અને ક્યારેક 130 કિ.મી.સુધી પહોંચી શકે છે.આજે જારી કરાયેલા બુલેટીન અનુસાર આવતીકાલ તા.૨૬ના સાંજે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠા પર 100થી 120 કિ.મી. અને મહત્તમ 135 કિ.મી.ની ઝડપ સાથે ત્રાટકશે. તા. 28ના આ વાવાઝોડુ ડીપ્રેસનમાં ફેરવાશે અને જ્યાં પસાર થાય ત્યાં તોફાની અતિ ભારે વરસાદની સંભાવના છે.મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલયમાં પણ આ વાવાઝોડાના પગલે તા. 27ના મહત્તમ 60- 70 કિ.મી. સુધી પવન ફૂંકાવાની ચેતવણી જારી થઈ છે. બંગાળની ખાડીનો દરિયો અત્યંત તોફાની રહેશે. મૌસમ વિભાગ દ્વારા આજે વાવાઝોડાનો પૂર્વાનુમાનિત પથ પણ જાહેર કરાયો છે જે મૂજબ તે તા. 26ના સાંજે કલકત્તા નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા નજીક આવશે.
વાવાઝોડાની સાથે,બીજી તરફ, નૈત્યનું ચોમાસુ ઝડપભેર આગળ વધી રહ્યું છે અને આજે તે માલદિવ્ઝ,કેમરોન વિસ્તાર, બંગાળની ખાડીનો દક્ષિણ ભાગ, આંદામાન-નિકોબાર ટાપુ અને દરિયાના બાકીના વિસ્તારોમાં આગળ વધ્યું હતું અને કેરલની વધુ નજીક આવ્યું હતું. એમ મનાય છે કે ભારતમાં ચોમાસુ આ વર્ષે વહેલુ બેસી જશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં સૌ પ્રથમ ચોમાસુ કેરલમાં બેસે્ છે અને ત્યાંથી દરિયાઈ પથ ઉપર આગળ વધતું કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર મુંબઈ,દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના કિનારે થઈને ગુજરાતમાં આવતું હોય છે. કેરલ પંથકમાં વરસાદનું જોર જારી રહ્યું છે અને આજે પણ ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. ઉંચાઈએ સર્જાયેલું છે અને તેનૌ પગલે તી.૨૬ સુધી કેરલ,કર્ણાટકમાં ગાજવીજ સાથે વ્યાપક વરસાદની તેમજ ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે.






Leave a comment