બાર એસોસિએશનનો મહત્ત્વનો નિર્ણય, કોઈ વકીલ નહીં લડે રાજકોટ અગ્નિકાંડ ના આરોપીઓનો કેસ

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ગોઝારી દુર્ઘટનાને લઈને રાજકોટ બાર એસોસિએશન દ્વારા મોટો નિર્ણય લીધો છે. એસોસિએશનના પ્રેસિડેન્ટ બકુલ રાજાણીએ જણાવ્યું કે, ‘મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે અમે નિર્ણય લીધો છે કે કોઈ પણ વકીલ આરોપીનો કેસ લડશે નહીં. મને આશા છે કે 3500 વકીલો જોડાશે. તેમ છતાં જો કોઈ વકીલ બહારથી આરોપીઓનો કેસ લડશે તો તેમને રોકવા માટે પણ અમે પૂરતા પ્રયાસ કરીશું. તેમજ જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.’

રાજકોટ બાર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, ‘રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ બાર એસોસિએશનમાં જોડાયેલા તમામ સભ્યોને જે આરોપીઓ છે, જવાબદાર છે તેવા કોઇપણ આરોપી તરફથી રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ વકીલાત કરવાની નથી. કોઈપણ પ્રકારના લાયસન્સ વગર આટલા વર્ષોથી આ ગેમ ઝોન ચાલુ હતું અને અધિકારીઓ પણ પોતાના પરિવારને લઈને ગયા છે, ત્યારે આ અધિકારીઓને પણ આવું દેખાતું નથી કે આમા કોઈપણ પ્રકારની પરવાનગી કે લાયસન્સ નથી. હમણા અમુક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવાનો મતલબ કે આ લોકો ક્યાંકને ક્યાંક કસૂરવાર છે.

અગ્નિકાંડ મુદ્દે રાજકોટ બાર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં આવી અસંખ્ય ઘટનાઓ ઘટી છે. ઘણા લોકોએ પરિવારના સ્વજનો ગુમાવ્યા છે. કોઈ અધિકારીને કંઇ લાગતું વળગતું ન હોય એ રીતે સહેલાયથી આ બધી બાબતોને જોવામાં આવે છે. અત્યાર સુધીની ઘટનામાં કોઈ અધિકારીને સંડોવવામાં આવતા નથી. મુખ્ય જવાબદાર અધિકારીઓ હોય છે. એ અધિકારીઓ આવા પીળા પરવાના આપી દેતા હોય, જેના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડે છે. આ ઘટનાને હળવાશથી ન લેવી જોઈએ. રાજકોટ બાર એસોસિએશન જે લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમના પરિવારજનોની સાથે છે. અમારાથી બનતા પ્રયાસો કરવામાં આવશે અને મદદરૂપ થઇશું. પોલીસ કમિશનરને જે કંઇ રજૂઆત કરવી પડતી હશે તે રજૂઆત કરીશું. તપાસ પારદર્શક થાય, જે કંઈ ક્ષતિ છે તેને દૂર કરવામાં આવશે. આજે પણ જે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તેમાં રાજકોટ બાર એસોસિએશનની ટીમ ખડે પગે રહેશે.’

ઉલ્લેખનીય છે કે, ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે સુઓમોટો હાથ ધરતાં હાઈકોર્ટે આજે બીજી વખત સુનાવણી કરી હતી જેમાં રાજકોટ મહાનગરપાલિકા (RMC)નો ઉધડો લઈ નાખ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે તંત્ર અને સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે, ‘અમને સરકાર અને તંત્ર પર ભરોસો નથી. કોઈ પણ મંજૂરી વિના ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હતું તો RMC શું કરતું હતું?’ આટલું જ નહીં કોર્ટે કમિશનરને પણ તતડાવતા આકરા સવાલ કર્યા હતા.

અત્યાર સુધીની માહિતી મુજબ રાજકોટ અગ્નિકાંડ બાદ બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી, એક્ઝિટ-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ  પણ થઈ. 

Leave a comment

Trending