ભારતનું રેટિંગ આઉટલુક સ્ટેબલમાંથી પોઝિટિવ કરાયું

વૈશ્વિક રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલે ભારતના  અર્થતંત્રના  રેટિંગને આઉટલુકને સ્ટેબલમાંથી  સુધારી પોઝિટિવ કર્યું છે અને રેટિંગ બીબીબી-   જાળવી રાખ્યું છે. મજબૂત આર્થિક વિકાસ અને સરકારી ખર્ચની ગુણવત્તામાં  સુધારાને ધ્યાનમાં રાખી આઉટલુકમાં સુધારો આવી પડયો છે.  બીબીબી- એ ઓફર કરાતું સૌથી નીચું ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ છે.

આર્થિક સ્થિતિસ્થાપકતા વધારી દેવા તથા વ્યાજ બોજમાં ભારત ઘટાડો કરશે તો બે વર્ષમાં સોવેરિન રેટિંગમાં તે અપગ્રેડ કરી શકશે એમ પણ એજન્સીએ જણાવ્યું છે. આ માટે ભારતે સાવચેતીભરી રાજકોષિય નીતિ અપનાવવાની રહેશે.

ભારતના મજબૂત આર્થિક તેના ક્રેડિટ ગણિતો  પર હકારાત્મક અસર કરે છે એમ એસએન્ડપી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.આ અગાઉ એસએન્ડપીએ ૨૦૧૦માં ભારતના રેટિંગ આઉટલુકને નેગેટિવમાંથી સ્ટેબલ કર્યું હતું.

ભારતની રાજકોષિય ખાધ ઊંચે ગઈ છે પરંતુ, મજબૂતીકરણના પ્રયાસો ચાલુ છે. ભારતના મજબૂત પાસા ૨-૩ વર્ષમાં વિકાસની ગતિને ટેકો પૂરો પાડતા રહેશે એવી પણ એસએન્ડપી દ્વારા ધારણાં મૂકવામાં આવી છે.

રાજકોષિય ખાધમાં અર્થપૂર્ણ ઘટાડો જોવા મળશે તો ભારતના રેટિંગમાં સુધારો કરવા વિચારી શકે છે એમ પણ એસએન્ડપીએ જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષમાં દેશની રાજકોષિય ખાધ ઘટાડી જીડીપીના ૫.૧૦ ટકા પર લાવવા ભારત સરકાર ટાર્ગેટ ધરાવે છે.

સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં રાજકોષિય ખાધનો ટાર્ગેટ જીડીપીના ૫.૮૦ ટકા રખાયો હતો. રાજકોષિય શિસ્તતા માટેની માર્ગરેખા હેઠળ નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં ખાધ ઘટાડી ૪.૫૦ ટકા લાવવાનો ટાર્ગેટ રખાયો છે.

માળખાકીય વિકાસ પાછળ સરકારના ખર્ચ દેશની વિકાસ ગતિને ટેકો પૂરો પાડશે. ચૂંટણીના પરિણામો કંઈ પણ આવે ભારતમાં સુધારા જળવાઈ રહેવાની અમારી અપેક્ષા છે એમ પણ એજન્સીએ વધુમાં જણાવ્યું હતું.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સરકારને અપાયેલા રૂપિયા ૨.૧૧ લાખ કરોડના ડિવિડન્ડને કારણે ભારતનું સોવેરિન રેટિંગ સુધરવાનો અવકાશ રહેલો છે. આ ડિવિડન્ડને કારણે ભારતના જીડીપીમાં વધારાના ૦.૪૦ ટકા ઉમેરો શકય બનશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે.

રિઝર્વ બેન્કની નાણાં નીતિની અસરકારકતામાં સ્થિર અને નોંધપાત્ર સુધારો જોવા મળશે અને આગળ જતા ફુગાવો લાંબા ગાળા સુધી નીચો રહેશે તેમ વિશ્વાસપૂર્ણ રીતે જણાશે તો ભારતના રેટિંગમાં અમે કદાચ સુધારો કરીશું એમ પણ એસએન્ડપીએ જણાવ્યું હતું.

ગયા વર્ષના મેમાં એસએન્ડપી ગ્લોબલે ભારતના સોવેરિન રેટિંગ્સને સ્ટેબલ આઉટલુક સાથે બીબીબી- રાખ્યું હતું. રિઝર્વ બેન્ક દ્વારા ઊંચા ડિવિડન્ડની ચૂકવણી બાદ વિવિધ એજન્સીઓ તરફથી ભારતના સાર્વભોમ રેટિંગમાં સુધારો જોવા મળવાની શકયતા ઊભી થઈ છે.

Leave a comment

Trending