– મોટાભાગના રોગ પહેલાં મનમાં દાખલ થાય છે પછી શરીરમાં દેખાતા હોવાથી માનસિક રોગને હળવાશથી લેવું નહિ
ભારતમાં જેટલી દરકાર શારીરિક સ્વાસ્થ્યની રખાય છે એટલી ગંભીરતા માનસિક આરોગ્યની લેવામાં આવતી નથી. પરંતુ મોટાભાગના રોગ પહેલા વ્યક્તિના મનમાં દાખલ થાય છે પછી તેની અસર શરીરમાં દેખાય છે, એટલે માનસિક રોગને હળવાશથી લેવાય નહીં એમ જી. કે. જનરલ અદાણી હોસ્પિટલ અને કોલેજના પ્રાધ્યાપક અને ક્લિનિકલ સાયકોલોજીસ્ટે જણાવ્યું હતું.
ભુજ ખાતે અદાણી સ્કિલ ડેવ. જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માણસનું મન “શરીરનો પાવર હાઉસ” છે એ વિષય ઉપર ભુજ સ્કિલ ડેવ. ના નર્સિંગ આસિસ્ટન્ટ કોર્સના વિદ્યાર્થીઓ માટે પ્રાયોજિત સેમિનારમાં કોલેજના એસોસિયેટ ડીન ડો. સાગ્નિક રોયએ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે, માનસિક હેલ્થને હળવાશથી લેવાની ભૂલ નહીં કરવી જોઈએ. માણસનું મન ચંચળ જરૂર છે પણ એ શક્તિનું કેન્દ્ર પણ છે. જો મનને શાંત રાખી શકાય તો અનેક સમસ્યાથી બચી શકાય.
જી. કે. ના મનોચિકિત્સા વિભાગના હેડ ડો. મહેશ ટીલવાણીએ અતિથિ વિશેષ પદેથી કહ્યું કે, મનની અપાર શક્તિ છે. માનવીનું મન રોગ મિટાવી શકે છે અને ઉત્પન્ન પણ કરી શકે છે માટે હંમેશા સકારાત્મક વિચારો જ કરવા. મનને સતત પોઝિટિવ સંદેશો આપતા રહેવાથી અને જાત પ્રત્યે પ્રમાણિક રહેવાથી નકારાત્મકતાની ગાંઠ ઓગળી જશે અને સ્વસ્થ રહી શકાશે એમ તેમણે ઉમેર્યું હતું.
જી. કે. ના ક્લિનિકલ સાયકોલોજીસ્ટ હેતલબેન ગોહિલે “મન: શરીરનું પાવર હાઉસ” વિષય ઉપર પ્રેઝન્ટેશન સાથે પ્રત્યેક મુદ્દાઓ ઉપર ઝીણવટથી છણાવટ કરતા કહ્યું કે, દરેક વ્યક્તિને રોજ ૭૦ થી ૮૦ હજાર વિચારો આવે છે. જે પૈકી કેટલાક નકારાત્મક હોય છે, જેને આપણે પકડી રાખીએ છીએ જે આપણા વિચાર, વર્તન અને આવેગ ઉપર દુષ્પ્રભાવ પાડે છે. આવું સતત ચાલે તો રોજિંદા જીવનમાં વિક્ષેપ ઊભો થાય. માટે હંમેશા સારા વિચારને પકડી રાખો. ‘હું એક સારો વ્યક્તિ છું અને સમાજમાં સારું કામ કરવા માટે આવ્યો છું’ એ મંત્રને સતત વાગોળી સાકાર કરવાનો અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં સક્ષમના તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રારંભે અદાણી સ્કિલ ડેવ. ના જુનિયર ઓફિસર ડો. પૂર્વી ગોસ્વામીએ આવકાર પ્રવચનમાં ભુજ સ્કિલ ડેવ. ની પ્રગતિનો ચિતાર આપ્યો હતો. જ્યારે કાર્યક્રમનું સંચાલન કર્યું એસોસિયેટ ટ્રેનીંગ મનીષ બાવલએ કર્યું હતું.






Leave a comment