જી.કે.જન. હોસ્પિ.ના પલ્મોનોલોજિસ્ટોએ પેસીવ સ્મોકિંગને સાયલેન્ટ કિલર ગણાવ્યું

ધુમ્રપાન કરનારને એક ને એક દિવસ રોગના ભોગ બનવું પડે છે, પરંતુ એમને એ ખબર નથી કે તેઓ જે સિગારેટ, બીડી, ચૂલમ  કે હુક્કા દ્વારા જે ધુમાડો બહાર કાઢે છે અને ધુમાડાના સંપર્કમાં આવનારને પણ એવાજ રોગ થવાનો સંભવ રહેલો છે. આવા ધુમ્રપાનને નિષ્ક્રિય ધૂમ્રપાન અથવા સેકન્ડ હેન્ડ અગર તો પેસિવ સ્મોકિંગ કહે છે. જેનો મોટાભાગે બાળકો અને સ્ત્રીઓને વિશેષ અસર થતી હોય છે.

૩૧મી મે ના રોજ દર વર્ષે ઉજવાતા નો ટોબેકો ડે નિમિત્તે જી.કે. જનરલ હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગના હેડ ડો. કલ્પેશ પટેલે કહ્યું કે, અન્ય લોકો જેઓ ધુમ્રપાન નથી કરતા પણ તમાકુના ધુમાડામાં શ્વાસ લેવાથી  એમના આરોગ્ય ઉપર પણ  અસર થાય છે. તમાકુના ધુમાડામાં અંદાજે ૫ હજારથી વધુ ઝેરી રસાયણ હોય છે જે પૈકી કેટલાક તો કેન્સરનું કારણ પણ બની શકે છે. ઉપરાંત હૃદયરોગ, સ્ટ્રોક અને ક્રોનિક ઓબસ્ટ્રકટિવ પલ્મોડીસીઝ થાય છે.

નિષ્ક્રિય ધૂમ્રપાનથી સૌથી વધુ અસર બાળકો અને ગર્ભસ્થ માતાને થાય છે. તેમાં ય દરેક બાબતમાં સૌથી વધુ અસર તો  બાળકોને થતી હોય છે. સેકન્ડ હેન્ડ સ્મોકમાં શ્વાસ લેવાથી જન્મ પછી બાળકનું ઓછું વજન જેવી બાબતો બને છે. બાળકને શ્વસન ચેપ અને પારણું મૃત્યુનું  કારણ પણ ધુમાડો બને છે. પરિવારના સભ્યો ધૂમ્રપાન કરતા હોય અને તેમની સાથે બાળકો રહે તો બાળકો પણ ધૂમ્રપાન કરે તેવી શક્યતા વધુ હોય છે, એમ પલ્મોનોલોજીસ્ટ ડો.સ્મિત યાદવ અને ડો. ફોરમ રૂપારેલે જણાવ્યું હતું.

પેસિવ સ્મોકનો સૌથી વધુ સંપર્ક ઘરમાં થાય છે. ધુમાડો આખા ઘરમાં એક રૂમમાંથી બીજા રૂમમાં ફેલાઈ શકે છે. બારીઓ ખોલો તો પણ કલાકો સુધી તેના કણો હવામાં રહે છે. પ્રિયજનોને નિષ્ક્રિય ધુમ્રપાનથી બચાવવાનો એકમાત્ર રસ્તો તેમની આસપાસના વાતાવરણને ધૂમ્રપાનથી મુક્ત રાખવાનો છે. માટે ધુમ્રપાન સંપૂર્ણપણે બંધ કરવું જાત અને કુટુંબ માટે પણ હિતાવહ છે.

 આ ઉપરાંત બાળકોને પરોક્ષ રીતે પણ અસર થાય છે, જેમ કે જ્યારે સગર્ભા સ્ત્રી કોઈ પણ તમાકુનો ધુમાડો શ્વાસમાં લે છે અથવા તો ગર્ભસ્થ મહિલા જ્યારે  ધુમ્રપાન કરે છે ત્યારે તેનું બાળક પણ ધુમાડામાં રહેલા રસાયણોના સંપર્કમાં આવે છે. અવતરિત બાળકને જન્મજાત ખામી, લીવરકેન્સર સહિત બાળપણનું કેન્સર વગેરે જોખમ રહે છે. બાળક અસ્થમાનું દર્દી પણ બની શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ ભારતમાં મૃત્યુ અને બીમારીના પ્રમુખ કારણો પૈકી તમાકુનું કારણ મુખ્ય છે. વિશ્વમાં ૮૦ લાખ લોકોનું મૃત્યુ  તમાકુને કારણે થાય છે. તમાકુના દરેક પ્રકારો હાનિકારક છે. લોકો આ બાબત જાણે છે, છોડવા ઈચ્છે છે પણ છોડી શકતા નથી.  તમાકુની આદત કાઉન્સેલિંગથી  દૂર કરી શકાય છે, એમ મનોચિકિત્સકોએ જણાવ્યું હતું.

Leave a comment

Trending