– ભુજ એર ફોર્સના જવાનોએ બ્લડ આપી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડયું
– બ્લડ બેંકની અપીલ લેખે લાગી
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલની બ્લડ બેન્કને વીતેલા મે માસમાં ગરમી, ચૂંટણી, લગ્નગાળો અને વેકેશન જેવી વિષમ પરિસ્થિતિમાં પણ ૨.૪૫ લાખ સી.સી. એટલે કે ૬૯૬ યુનિટ બલ્ડ એકત્રિત કરવામાં સફળતા મળી હતી.અને જરૂરિયાત સંતોષી શકાઈ હતી.
હોસ્પિટલની બ્લડ બેન્કના હેડ ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાયના જણાવ્યા મુજબ વિષમ પરિસ્થિતિમાં જરૂરિયાત પૂરી પાડવા લોકોને રક્તદાન માટે કરેલી અપીલને સુંદર પ્રતિસાદ મળતા બ્લડ બેન્કમાં જ ૪૫૬ યુનિટ રક્ત ભેગું કરી શકાયું હતું. જ્યારે વધુ ૨૪૦ યુનિટ બ્લડ જુદા જુદા ચાર કેમ્પ મારફતે મેળવવામાં આવ્યું હતું.
બ્લડ બેન્ક દ્વારા આયોજિત ૪ રક્તદાન કેમ્પમાં ભુજ એરફોર્સનું યોગદાન પ્રેરણાદાયી રહ્યું હતું. એરફોર્સના જવાનોએ દેશની રક્ષા ઉપરાંત લોકોના આરોગ્યની ખેવના કરીને ૧૦૨ યુનિટ રક્ત આપી આ વિષમ સ્થિતિમાં શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
બ્લડ બેન્કના કાઉન્સેલર દર્શન રાવલે કહ્યું કે, કચ્છમાં એરફોર્સ ઉપરાંત રઘુવંશી સોરઠીયા આહીર સમુહલગ્ન સમિતિ, પાટીદાર ભવન માતાનામઢ, અને સતાપર આહીર યુવક મંડળે પણ જહેમત લઈ રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું.






Leave a comment