મોદી સરકાર 3.0માં ખાતાની ફાળવણી કરાઈ

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન પદના શપથગ્રહણ કરવાની સાથે 72 મંત્રીએ પણ શપથ લીધા હતા. આ તમામ મંત્રીઓને મંત્રાલયોની વહેંચણીની ચર્ચા વચ્ચે વડાપ્રધાન નિવાસસ્થાને આજે મોદી કેબિનેટની પહેલી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંબોધન કરીને કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા હતા. આ દરમિયાન કેબિનેટની પહેલી બેઠકમાં ત્રણ કરોડ ઘર બનાવવાનો, તમામ ઘરને એલપીજી અને વીજળી આપવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત કિસાન સન્માન નિધિની પણ જાહેરાત કરાઈ   હતી, જેનાથી દેશના નવ કરોડ ખેડૂતોને ફાયદો થશે.

આજે વડાપ્રધાનના નિવાસસ્થાને મોદી 3.0ની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સિતારામન સહિતના કેબિનેટ કક્ષાના તમામ મંત્રીઓ ઉપસ્થિત છે. આ દરમિયાન કેબિનેટની પહેલી બેઠકમાં જે નિર્ણય સામે આવ્યા છે, તે મુજબ વડાપ્રધાન આવાસ યોજનાનો વધુ એક્સટેન્ડ કરાશે. આ યોજના હેઠળ ત્રણ કરોડ નવા ઘરો બનાવાશે. આ પહેલા મોદી 2.0 સરકારની આગેવાની હેઠળ 4.21 કરોડ ઘર બની ચુક્યા છે. આ ઉપરાંત તમામ ઘરોમાં વીજળી પહોંચાડવાનો અને તમામને એલપીજી આપવાનો નિર્ણય પણ લેવાયો છે.

PM મોદીના નિવાસસ્થાને કેબિનેટની પ્રથમ બેઠક શરૂ થઈ

નવી કેબિનેટની પ્રથમ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને શરૂ થઈ છે. આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ અને જે.પી. નડ્ડા હાજર છે. આ સિવાય મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં શિવરાજ સિંહ ચૌહાણ, ગિરિરાજ સિંહ, મનોહર લાલ ખટ્ટર, લલન સિંહ સહિત તમામ 30 કેબિનેટ મંત્રીઓ હાજર છે.

નામમંત્રાલયપક્ષ
રાજનાથ સિંહસંરક્ષણભાજપ
અમિત શાહગૃહ, સહકારી વિભાગભાજપ
નીતિન ગડકરીમાર્ગ અને પરિવહનભાજપ
જે.પી. નડ્ડાઆરોગ્ય, કેમિકલ અને ફર્ટિલાઇઝરભાજપ
શિવરાજ સિંહ ચૌહાણકૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસભાજપ
નિર્મલા સીતારમણનાણા, કોર્પોરેટ બાબતોભાજપ
એસ. જયશંકરવિદેશભાજપ
મનોહરલાલ ખટ્ટરઊર્જા અને શહેરી વિકાસભાજપ
એચ.ડી. કુમારસ્વામીભારે ઉદ્યોગ અને સ્ટીલજેડીએસ
પિયુષ ગોયલવાણિજ્ય અને ઉદ્યોગભાજપ
ધર્મેન્દ્ર પ્રધાનશિક્ષણભાજપ
જીતનરામ માંઝીલઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગહમ
રાજીવ રંજનપંચાયતી રાજ, મત્સ્ય-પશુપાલન અને ડેરીજેડીયુ
સર્બાનંદ સોનોવાલપોર્ટ અને શિપિંગ, જળમાર્ગભાજપ
વીરેન્દ્ર ખટીકસામાજિક ન્યાયભાજપ
રામમોહન નાયડુનાગરિક ઉડ્ડયનટીડીપી
પ્રહલાદ જોશીખાદ્ય, ગ્રાહક સુરક્ષા બાબતો, રિન્યુએબલ એનર્જીભાજપ
જુએલ ઓરામઆદિવાસી બાબતોભાજપ
ગિરિરાજ સિંહટેેક્સ્ટાઈલભાજપ
અશ્વિની વૈષ્ણવરેલવે, માહિતી અને પ્રસારણ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીભાજપ
જ્યોતિરાદિત્ય સિંધિયાટેલિકોમ, ઉત્તર પૂર્વ રાજ્યોનો વિકાસભાજપ
ભૂપેન્દ્ર યાદવપર્યાવરણ, જંગલો, ક્લાઈમેટ ચેન્જભાજપ
ગજેન્દ્ર શેખાવતપ્રવાસન, સાંસ્કૃતિક બાબતોભાજપ
અન્નપૂર્ણા દેવીમહિલા અને બાળવિકાસભાજપ
કિરેન રિજિજુસંસદીય કાર્ય, લઘુમતી બાબતોભાજપ
હરદીપ સિંહ પુરીપેટ્રોલિયમભાજપ
મનસુખ માંડવિયાશ્રમ-રોજગાર, સ્પોર્ટ્સ, યુવા બાબતોભાજપ
જી. કિશન રેડ્ડીકોલસો અને ખાણભાજપ
ચિરાગ પાસવાનફૂડ પ્રોસેસિંગએલજેપી (RV)
સી.આર. પાટીલજળશક્તિભાજપ

‘જ્યાં કોઈ નથી પહોંચ્યું, ત્યાં આપણા દેશનો પહોંચાડવાનો છે’

કેબિનેટની બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમઓમાં ઉપસ્થિત સરકારી કર્મચારીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આપણે આવનારા વર્ષોમાં વૈશ્વિક માપદંડો પર પણ કામકરવાનું છે. જ્યાં કોઈ પહોંચ્યું નથી, ત્યાં આપણે આપણા દેશનો પહોંચાડવાનો છે.

વિજયના હક્કદાર ભારત સરકારના કર્મચારીઓ પણ છે : મોદી

તેમણે કહ્યું કે, હું શરૂઆતથી જ પ્રયાસો કરતો રહ્યો છું કે, વડાપ્રધાન કાર્યાલય સેવાનો અધિષ્ઠા અને People’s PMO (પ્રજાનું વડાપ્રધાન કાર્યાલય) બને. સરકારનો અર્થ સામર્થ્ય, સમર્પણ અને સંકલ્પોની નવી ઉર્જા છે. આપણી ટીમ માટે સમયનું બંધન પણ નથી અને વિચારવાની સીમાઓ પણ નથી તેમજ પુરુષાર્થ કરવા માટેના પણ કોઈ માપદંડ નથી. આ વિજયના સૌથી મોટા હક્કદાર ભારત સરકારના કર્મચારીઓ પણ છે, જેમણે એક વિઝન માટે પોતાને સમર્પિત કરી કોઈ ખામી રાખી નથી. આ ચૂંટણી તમામ સરકારી કર્મચારીઓના 10 વર્ષના પુરુષાર્થ પર મહોર મારશે. આ વિજયના સૌથી મોટા હક્કદાર તમે છો.

‘મેં જે 10 વર્ષમાં વિચાર્યું, જેનાથી વધુ વિચારવાનું છે’

તેમણે વધુમાં કહ્યું કે, ‘જેઓ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સમર્પિતની ભાવના રાખે, તે તમામને મારું નિમંત્રણ છે. હાલનો સમય મેં જે 10 વર્ષમાં વિચાર્યું હતું, તેનાથી વધુ વિચારવાનો અને કરવાનો સમય છે. હવે જે કરવાનું છે, તે વૈશ્વિક માપદંડોને પાર કરવાનું છે. જ્યાં કોઈ નથી પહોંચ્યું, ત્યાં આપણે દેશને પહોંચાડવાનો છે.

વડાપ્રધાન મોદીએ પદ સંભાળતા જ ખેડૂતોના હિતમાં લીધો મોટો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ ઘરો બનાવવાની જાહેરાત કર્યા પહેલા આજે સવારે ખેડૂત સન્માન નિધિનો હપ્તો જારી કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા હતા. કાર્યાલયના પ્રથમ દિવસે જ પીએમ મોદીએ ખેડૂતોને કિસાન નિધિ હેઠળ આપવામાં આવતા નાણાં અંગે નિર્ણય લીધો હતો. કુલ 9.3 કરોડ લાભાર્થી ખેડૂતોને કુલ 20 હજાર કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવી છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. એટલા માટે સત્તામાં ફરી આવતા જ તેમના કલ્યાણ માટે પહેલો નિર્ણય કરી રહ્યા છીએ. આગામી સમયમાં પણ અમે ખેડૂતો અને ખેતી ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરતા રહીશું.

મોડી રાત્રે મંત્રાલયોની ફાળવણીની યાદી જાહેર થવાની સંભાવના

એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, આજે મોડી રાત્રી મંત્રાલયોની ફાળવણીની યાદી જાહેર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 30 કેબિનેટ મંત્રી, પાંચ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 36 રાજ્યમંત્રીઓએ શપથગ્રહણ કર્યા હતા. સૂત્રો પાસેથી એવી પણ માહિતી સામે આવી છે કે, ભાજપ મહત્વના મંત્રાલયો નાણાં, ગૃહ, સંરક્ષણ અને વિદેશ મંત્રાલય પોતાની પાસે જ રાખશે. જ્યારે અન્ય મંત્રાલયોમાં એનડીએના સાથી પક્ષોનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં ભાજપના 25 અને સાથી પક્ષોના પાંચ મંત્રીઓને મંત્રી પદ ફાળવવામાં આવ્યા છે.

Leave a comment

Trending