દર વર્ષે ઉનાળાની ગરમીની શરૂઆત થતા પાણીની માંગ વધી જતી હોય છે તેથી પાણીનો પોકાર શરૂ થઈ જતો હોય છે. પાણીનો સમસ્યા શરૂ થતા ભાવનગર મહાપાલિકાએ પાણીના ટેન્કર દોડાવવા પડતા હોય છે. મનપાના વોટર વર્કસ વિભાગ દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવે છે પરંતુ કેટલાક વિસ્તારમાં પાણી સમસ્યા યથાવત હોવાનુ જણાય રહ્યુ છે, જેના કારણે આશરે છેલ્લા ત્રણ માસમાં મનપાના ફિલ્ટર વિભાગે આશરે ૪,૦ર૪ પાણીના ટેન્કર દોડાવ્યા હતા અને લોકોને પાણી પુરૂ પાડયુ હતું. પાણીના ધાંધીયાના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગત વર્ષે સારો વરસાદ થતા ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ભરેલ છે, બોરતળાવ, ખોડીયાર ડેમ પણ ભરેલ છે. મહીપરીએજનુ પાણી પણ ભાવનગરને મળે છે તેથી પાણીનો જથ્થો પુરતો છે. પાણીનો જથ્થો પુરતો હોવાના કારણે દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પાણીની સમસ્યા ઓછી જોવા મળી હતી પુરતુ પાણી હોવા છતા આયોજનના અભાવે, પાવરકાપ, ડ્રેનેજ ભળી જવી વગેરે પ્રશ્નનોના કારણે લોકોએ પાણીના ટેન્કર મંગાવ્યા હતાં. નગરસેવક, પદાધિકારીઓ, વોટર વર્કસ વિભાગને પણ પાણીની ફરિયાદ મળતા તેઓ પણ ફિલ્ટર વિભાગને જે તે વિસ્તારમાં પાણીના ટેન્કર મોકલવા જણાવતા હોય છે, જેના પગલે ગત માર્ચ, એપ્રિલ અને મે માસ દરમિયાન મનપાના ફિલ્ટર વિભાગે આશરે ૪,૦ર૪ પાણીના ટેન્કર શહેરના જુદા જુદા વિસ્તારમાં મોકલ્યા હતાં. શીયાળા અને ચોમાસાની સરખામણીએ ઉનાળામાં પાણીની માંગ વધતા દરરોજ આશરે ૪૪ પાણીના ટેન્કર જુદા જુદા વિસ્તારમાં મોકલવામાં આવતા હોય છે. કેટલાક સ્લમ વિસ્તારમાં તેમજ ઉંચાણવાળા વિસ્તારમાં પાણીની સમસ્યા રહેતી હોય છે. આ ઉપરાંત નળ કનેકશન ન હોય તેવા વિસ્તારમાં પાણીની જરૂરીયાત વધુ રહેતી હોય છે તેમ ફિલ્ટર વિભાગના સુત્રોએ જણાવેલ છે.
શહેરમાં પાણીની ઓછી સમસ્યા છે છતા આટલા બધા પાણીના ટેન્કર જુદા જુદા વિસ્તારમાં મોકલવામાં આવે છે જો વધુ ફરિયાદ હોય તો સ્થિતી કફોડી થઈ શકે તેમ ચર્ચાય રહ્યુ છે. છેલ્લા કેટલાક વર્ષથી ચોમાસામાં સારો વરસાદ પડે છે તેથી લોકોને પુરતુ પાણી મળે રહે છે પરંતુ વરસાદ ઓછો થાય તો પાણીની સમસ્યા વધી શકે છે ત્યારે લોકોએ પાણીનો બગાડ ઓછો કરવો જરૂરી છે. શહેરના છેવાડાના કેટલાક વિસ્તારમાં પાણી પ્રશ્ન હોવાથી લોકોની મૂશ્કેલી વધતી હોય છે. આ ઉનાળામાં મહાપાલિકાને પાણી સમસ્યાની અનેક ફરિયાદ મળી છે અને ઘણા વિસ્તારની મહિલાઓએ મહાપાલિકામાં આવીને રજૂઆત કરી રોષ વ્યકત કર્યો હતો ત્યારે મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે તત્કાલ યોગ્ય પગલા લેવા જરૂરી છે.






Leave a comment