અમરેલીમાં ધોધમાર, લાઠીની ગાગડિયો નદીમાં પૂર, સાવરકુંડલા-બાબરામાં મેઘમહેર

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત જોવા મળી છે. અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો અમદાવાદમાં સાંજના સમયે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મેઘમહેર યથાવત રહેતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. હાલમાં અમરેલીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો લાઠીની ગાગડીયો નદીમાં પુર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છુટોછવાયો સામાન્ય વરસાદ પડશે. સારા વરસાદ માટે લોકોએ હજી થોડી રાહ જોવી પડી શકે છે. રાજ્યમાં આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના બાબરામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.

સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી વરસેલો વરસાદ

તાલુકોવરસાદ(મિમી)
બાબરા45
ગારિયાધાર29
લિલિયા25
ક્વાંટ25
નાંદોદ20
માંડવી15
લાઠી15
દ્વારકા10

અમરેલી જિલ્લામાં આજે સતત ચોથા દિવસે મેઘમહેર જોવા મળી હતી. આજે સાવરકુંડલાના જીરા, બોરાળા, ખડકલા, જૂના સાવર, લાઠીના હરસુરપુર, બાબરાના વાંડળીયા સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે બાબરા અને લાઠી વિસ્તારમાં પણ હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. જિલ્લામાં કેટલાક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને તાલુકાના તાડ કાછલાં અને કાનાબેડા ગામમાં સાંજના લગભગ 4થી 5 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજના લગભગ 4થી 5 વાગ્યાના અરસામાં વરસાદ વરસી પડ્યો હતો. કવાંટ ગામમાં લગભગ 5 મિનિટ સુધી વરસાદનું ઝાપટું પડ્યું હતું, જ્યારે કવાંટ તાલુકાના તાડકાછલા તથા કાનાબેડા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચોમાસાના આગમનની આતૂરતા પૂર્વક ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, ત્યારે બે ગામોમાં ધોધમાર વરસાદ પડતાં આ ગામના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

વેરાવળ-સોમનાથમાં મેઘરાજાની પધરામણી થઈ છે. સોમનાથ, ભાલકા, વેરાવળ સહિત વિસ્તારમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક વધુ માત્રામાં વરસાદ વરસ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વેરાવળ સોમનાથ શહેરમાં મેઘરાજાએ મંડાણ કર્યા છે. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારે 10:30 વાગ્યા આસપાસ ધીમીધારે મેઘરાજાએ મંડાણ કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વેરાવળ, સોમનાથ, ભાલકા, સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસી રહેલા મેઘરાજાએ રસ્તાઓ ભીના કરી દીધા છે. બીજી તરફ વરસાદના પગલે આહલાદક વાતાવરણ પણ સર્જાયું છે. લાંબા સમય આકરા તાપ અને ગરમીમાં અકળાયેલા લોકો વરસાદ આવતા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

બોટાદ જિલ્લાના ગઢડા શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરબાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો અને વરસાદ શરૂ થયો હતો. ત્યારે ગઢડા તાલુકાનાં રામપરા અને વાવડી ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. રામપરા અને વાવડી ગામે પડેલા ધોધમાર વરસાદથી ખેતરમાં પાણી ભરાયા હતા. જ્યારે રામપરા ગામે વોકળામાં પાણી આવ્યાં છે. ત્યારે ગઢડા તાલુકાનાં પડવદર, ગુદાળા, સમઢીયાળા, ઈંગોરાળા, ટાટમ, ગોરડકા, માંડવધાર, કેરાળા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે.

આજે વહેલી સવારે કચ્છ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. કચ્છના માંડવીમાં સવારે બે કલાકમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ દ્વારકા, ભાણવડ અને પોરબંદરમાં હળવો વરસાદ વરસ્યો હતો.

Leave a comment

Trending