દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

હાલમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસુ અટવાય ગયું છે. જેને કારણે આજે દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી તથા વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે કે કચ્છ અને ખંભાતના અખાતમાં ભારે પવનો ફૂંકાવાને કારણે માછીમારોને આગામી બે દિવસ દરમિયાન દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ પણ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે, ત્યારબાદ પાંચમાં, છઠ્ઠા અને સાતમાં દિવસે સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

ઉલ્લેખનીય છે કે, 11 જૂનના રોજ ચોમાસું નવસારીથી ગુજરાતમાં પ્રવેશ્યું હતું. પરંતુ હાલમાં પણ ત્યાં જ અટવાયેલું છે. તેમ છતાં ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. તેનું કારણ જણાવતાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું કે, હાલમાં ગઈકાલ સુધી જે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના ઉત્તરી ભાગમાં સર્જાયું હતું તેને કારણે સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે.

વધુમાં જણાવ્યું હતું કે, હજુ પણ ગુજરાતવાસીઓએ ચોમાસા માટે થોડા દિવસની રાહ જોવી પડશે. આવનારા 2-3 દિવસમાં ચોમાસું આગળ વધી તેવી શક્યતા સેવાઇ રહી છે. આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ સહિત ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 39થી 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી થઈ હતી. જ્યારે અમદાવાદ સહિતના વિસ્તારોમા સાંજ પછી હળવા વરસાદની શક્યતા હતી. પરંતુ વરસાદ ન વરસવાને કારણે લોકો ભયંકર બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હજુ પણ આગામી 2-3 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પરંતુ વરસાદની સંભાવના નહિવત પ્રમાણમાં છે. ક્યાંક છૂટા છવાયા સ્થળે હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ ઉત્તર ગુજરાત જિલ્લાઓ તથા મધ્ય ગુજરાતના પણ મોટાભાગના જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગની ગઈકાલની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં પણ છૂટા છવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરશહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે તાપમાનમા ઘટાડો આવ્યો છે. પરંતુ હ્યુમિડિટીમાં વધારો થતા શહેરીજનોને બફારોનો અનુભવ થઈ રહ્યો છે જે આગામી બે દિવસ યથાવત્ રહેવાની શક્યતા છે. ગઈકાલે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ઘણાં લાંબા સમયગાળા બાદ 38 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું. કારણ કે, મે મહિનામાં સૂરજ દેવતાના પ્રકોપને કારણે શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યું હતું.

આજે અમદાવાદ શહેરમાં બપોરે 1 વાગ્યા સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ત્યારબાદ વાદળો હટી જતાં આકાશ સાફ થશે અને શહેરીજનોને ગરમીનો અનુભવ થશે. આજે સવારથી જ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધીને સવારના 10 વાગ્યા સુધીમાં 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ શકે છે. ત્યારબાદ બપોરના 1 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને ધીમે ધીમે તેમાં વધારો થઈને બપોરના 3 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે.

Leave a comment

Trending