જી. કે. જન. અદાણી હોસ્પિ.ના ગાયનેક, સર્જરી અને એનેસ્થેશિયા વિભાગે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના ગાયનેક, સર્જરી એને એનેસ્થેશિયા વિભાગે સંયુક્ત રીતે ઓપરેશન કરી વૃદ્ધ મહિલાના અંડાશયમાંથી ૨૦ સેન્ટીમીટરની અઢી કિલો વજનની કેન્સરની ગાંઠ (ઓવેરિયન કેન્સર)  કાઢી તેને બચાવી લેવાઈ હતી હતી.

હોસ્પિટલના ગાયનેક વિભાગના ડો. વિનોદ મકવાણાએ આ સફળ ઓપરેશન કર્યા બાદ કહ્યું કે, ભુજમાં ૬૯ વર્ષીય વૃદ્ધ મહિલા મણીબેન ચારણ પોતાના ફૂલી ગયેલા પેટમાં દુખાવો થતાં  જી.કે.માં સારવાર માટે આવ્યા,પરંતુ સ્ત્રીરોગ નિષ્ણાતોને દુખાવો અસાધારણ જણાયો અને ગાંઠ હોવાની શંકા જતાં એમ.આર.આઇ.જેવા બીજા નિદાનાત્મક પરીક્ષણ કરાવતા અંડાશયમાં ગાંઠ જણાઈ.

વધુ ટેસ્ટ થતાં એ ગાંઠ બીજા સ્ટેજના કેન્સરની જણાતા શસ્ત્રક્રિયા જરૂરી બની ગઈ.દર્દીનું ૧૦૦ કિલો ભારે વજન અને પેટમાં પાણી ભરાતું હોવાથી ઓપરેશન જટિલ બની ગયું, છતાં વિકલ્પ ઓપરેશન જ હતું.દર્દીની મંજૂરીથી ઓપરેશન શરૂ કર્યું ત્યારે પ્રથમ તો પેટમાંથી ૬ લીટર અને ચાલુ શસ્ત્રક્રિયા દરમિયાન પણ ૩ લીટર પાણી કાઢવું પડયું.ઓપરેશન સફળ થયું અને હવે પેટમાં વધારાનું પાણી નથી.પેટ સામાન્ય બની ગયું અને દુખાવો દૂર થઈ ગયો પછી રાજા અપાઈ:

ગાયનેક વિભાગના અન્ય તબીબો ડો.કંવલ શાહ, ડો.પ્રેક્ષા શાહ, ડો. શાહિલ, ડો. કનિકા અને ડો.ઉર્વશીના જણાવ્યા મુજબ જો ઓપરેશન ના કરાયું હોત તો કેન્સર ભયજનક ૩–૪થા સ્તરે પહોંચી ગયું હોત. આ શસ્ત્રક્રિયામાં સર્જરી વિભાગના ડો.આદિત્ય પટેલ, ડો.નરેન્દ્ર ચૌધરી અને ડો.યસ જોડાયા હતા જ્યારે એનેસ્થેશિયા તરફથી ડો.રિંકલ, ડો.ધ્રુવ અને ડો.દીક્ષિતનું યોગદાન હતું.

Leave a comment

Trending