GST કાઉન્સિલની 53મી બેઠક આજે 22 જૂનથી શરૂ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ઓનલાઈન ગેમિંગ અને ફર્ટિલાઈઝર પર ટેક્સ ઘટાડવા અંગે ચર્ચા થઈ શકે છે.
હાલમાં, ફર્ટિલાઈઝર પર GST 5% ના દરે વસૂલવામાં આવે છે, જ્યારે સલ્ફ્યુરિક એસિડ અને એમોનિયા જેવા કાચા માલ પર GST 18% છે. સપ્ટેમ્બર 2021 અને જૂન 2022માં યોજાયેલી 45મી અને 47મી બેઠકમાં ફર્ટિલાઈઝર પર ટેક્સ ઘટાડવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
GST માળખાને સુવ્યવસ્થિત કરવા, અનુપાલન વધારવા અને ઉદ્યોગોની ચિંતાઓને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે.
નિર્મલા સીતારમણે ઔપચારિક રીતે કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાના એક દિવસ પછી, GST કાઉન્સિલે 53મી GST કાઉન્સિલની બેઠકની તારીખ જાહેર કરી હતી. આ આજે એટલે કે 22મી જૂને યોજાઈ રહી છે.
GST કાઉન્સિલની છેલ્લી બેઠક 7 ઓક્ટોબર, 2023ના રોજ મળી હતી. આ બેઠકમાં GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28% ટેક્સ લાદવાનો નિર્ણય લીધો હતો.
52મી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા
- તમામ પ્રકારની જરીવાળી વસ્તુઓ પર 5% GST લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- ઔદ્યોગિક ઉપયોગ માટે વપરાતા એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ પર 18% GST લાગશે.
- પ્રમોટરે તેની કંપની માટે કોર્પોરેટ ગેરંટી આપવા પર GST ચૂકવવો પડશે નહીં.
- સરકાર ઓનલાઈન ગેમિંગ અંગે અગાઉ લીધેલા નિર્ણયનું પાલન કરશે.
- GST એપેલેટ ટ્રિબ્યુનલમાં પ્રેસિડેન્ટની મહત્તમ ઉંમર 67થી વધારીને 70 વર્ષ કરવામાં આવી હતી.
- GST એપેલેટ ટ્રિબ્યુનલમાં સભ્યની મહત્તમ ઉંમર 65 થી વધારીને 67 વર્ષ કરવામાં આવી છે.
સરકારે મે 2024માં GSTમાંથી 1.73 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. અત્યાર સુધીના કોઈપણ મહિનામાં આ ચોથું સૌથી વધુ GST કલેક્શન હતું અને નાણાકીય વર્ષ 2024-25 માટે બીજું સૌથી વધુ GST કલેક્શન હતું. અગાઉ, સરકારે એપ્રિલ 2024માં જીએસટીમાંથી મહત્તમ રૂ. 2.10 લાખ કરોડ એકત્ર કર્યા હતા. વાર્ષિક ધોરણે ગ્રોસ GST કલેક્શનમાં 10% નો વધારો થયો હતો.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, મે મહિનામાં ₹1,72,739 કરોડના GST કલેકશનમાંથી CGST ₹32,409 કરોડ અને SGST ₹40,265 કરોડ હતો. IGST રૂ. 87,781 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂ. 39,879 કરોડ સહિત) અને સેસ રૂ. 12,284 કરોડ હતો. સેસમાં માલની આયાતમાંથી મળેલા રૂ. 1,076 કરોડનો સમાવેશ થાય છે.






Leave a comment