કેન્દ્ર સરકારએ મધરાતે જાહેરનામું બહાર પાડ્યું ને દેશમાં પેપર લીક વિરોધી કાયદો લાગુ

દેશમાં પેપર લીક વિરોધી કાયદો, એટલે કે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024 અમલમાં આવ્યો છે. કેન્દ્રએ શુક્રવારે (21 જૂન) મધ્યરાત્રિએ તેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ કાયદો ભરતી પરીક્ષાઓમાં છેતરપિંડી અને અન્ય ગેરરીતિઓને રોકવા માટે લાવવામાં આવ્યો છે.

આ કાયદા હેઠળ પેપર લીક કરવા અથવા ઉત્તરપત્ર સાથે ચેડાં કરવા પર ઓછામાં ઓછી 3 વર્ષની જેલની સજા થશે. આને ₹10 લાખ સુધીના દંડ સાથે પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે.

જો પરીક્ષા યોજવા માટે નિયુક્ત સેવા પ્રદાતા દોષિત ઠરશે તો તેને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો સેવા પ્રદાતા ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હશે, તો પરીક્ષાનો ખર્ચ તેની પાસેથી વસૂલવામાં આવશે.

NEET અને UGC-NET જેવી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ વચ્ચે આ કાયદો લાવવાનો નિર્ણય એક મોટું પગલું છે. આ કાયદા પહેલા, કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ પાસે પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત ગુનાઓનો સામનો કરવા માટે કોઈ અલગ નક્કર કાયદો નહોતો.

પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) કાયદો 6 ફેબ્રુઆરીએ લોકસભા અને 9 ફેબ્રુઆરીએ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 12 ફેબ્રુઆરીએ બિલને મંજૂરી આપી અને એને કાયદામાં ફેરવી દીધું.

આ કાયદો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC), સ્ટાફ સિલેક્શન કમિશન (SSC), રેલવે, બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી તમામ કોમ્પ્યુટર-આધારિત પરીક્ષાઓને આવરી લેશે.

આ પ્રકારની ગરબડને માનવામાં આવશે અપરાધ

  1. કોઈ પરીક્ષાનું પ્રશ્નપત્ર કે આન્સર કી લીક કરવામાં આવે.
  2. પ્રશ્નપત્ર કે આન્સર કી લીક કરવામાં કોઈની સાથે સામેલ હોવું.
  3. અનુમતિ વિના ક્વેશ્ચન પેપર કે OMR શીટ પોતાની પાસે રાખવા.
  4. પરીક્ષા દરમિયાન કોઈની પાસે જવાબ લખવા મદદ લેવી
  5. પરીક્ષા આપી રહેલા ઉમેદવારોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરવી.
  6. એક્ઝામ આન્સર શીટ કે OMR શીટની સાથે ચેડાં કરવા.
  7. કોપીઓના મૂલ્યાંકનમાં અનુમતિ વિના ચેડાં કરવાં.
  8. સરકારી એજન્સી દ્વારા સુનિશ્ચિત પરીક્ષાના માપદંડોનું ઉલ્લંઘન કરવું.
  9. મેરિટ માટે સુનિશ્ચિત ડોક્યુમેન્ટ્સમાં કોઈપણ પ્રકારનાં ચેડાં કરવાં
  10. પબ્લિક એક્ઝામ માટે નિશ્ચિત સિક્યોરિટી માપદંડોનું ઉલ્લંઘન કરવું.
  11. કોઈ એક્ઝામ કોમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્કમાં છેડછાડ કરવી.
  12. ઉમેદવારોની સીટ એરેન્જમેન્ટ, એક્ઝામ ડેટ કે શિફ્ટમાં છેડછાડ કરવી.
  13. કોઈ એક્ઝામિનેશન ઓથોરિટીને ધમકી કે કામ કરવાથી રોકવા.
  14. પરીક્ષા કે એક્ઝામ ઓથોરિટીને સંબંધિત નકલી વેબસાઈટ બનાવવી.
  15. નકલી એડમિટ કાર્ડ જારી કરવા કે નકલી એક્ઝામ યોજવી.

જો પરીક્ષા કેન્દ્ર કોઈપણ ગેરરીતિમાં સંડોવાયેલું જણાશે તો તે કેન્દ્રને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે, એટલે કે કેન્દ્રને આગામી 4 વર્ષ સુધી કોઈપણ સરકારી પરીક્ષા લેવાનો અધિકાર નહીં હોય.

વાસ્તવમાં મેડિકલ કોલેજોમાં એડમિશન માટેની NEET પરીક્ષા ગેરરીતિઓને લઈને વિવાદોમાં છે. કેન્દ્રની નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આ વર્ષે 5 મેના રોજ આ પરીક્ષાનું આયોજન કર્યું હતું. 4 જૂને પરિણામ આવ્યું.

67 બાળક એવાં છે, જેમણે 100% સ્કોર મેળવ્યો છે, એટલે કે 720 માર્ક્સની પરીક્ષામાં પૂરા 720 માર્ક્સ મેળવ્યા છે. આ પ્રથમ વખત છે, જ્યારે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ 100% માર્ક્સ મેળવ્યા છે. વર્ષ 2023માં માત્ર બે વિદ્યાર્થીને 100% માર્ક્સ મળ્યા હતા.

આ પછી 1563 વિદ્યાર્થીને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ત્યાર બાદ પરીક્ષાનું પેપર લીક થયાનું પણ બહાર આવ્યું હતું. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ત્યાર બાદ કેન્દ્રએ ગ્રેસ માર્ક્સવાળા 1563 વિદ્યાર્થીના સ્કોરકાર્ડ રદ કરી દીધાં અને તેમને 23 જૂને ફરીથી પરીક્ષા આપવાનું કહ્યું.

અત્યારસુધીમાં NEETમાં ગેરરીતિઓ અને ફરીથી પરીક્ષાની માગને લઈને સુપ્રીમ કોર્ટમાં 5 અરજી દાખલ કરવામાં આવી છે. આ તમામ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 8મી જુલાઈએ સુનાવણી કરશે. જોકે કોર્ટે પરીક્ષા રદ કરવાની અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની માગને ફગાવી દીધી છે.

Leave a comment

Trending