USAમાં ગ્રેજ્યુએટ થતાં જ ઈન્ડિયન સ્ટુડન્ટ્સને ગ્રીન કાર્ડ આપવાનું વચન – ટ્રમ્પ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કોલેજોમાંથી સ્નાતક થયેલા વિદેશી વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ આપવાનું વચન આપ્યું છે. એક પોડકાસ્ટમાં ટ્રમ્પે કહ્યું હતું કે આ પગલાથી ભારત અને ચીન જેવા દેશોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અમેરિકામાં રહી શકશે.

ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેમણે વચન આપ્યું હતું કે જ્યારે તેમની સરકાર બનશે ત્યારે તેઓ ટેક કંપનીઓને ભારત જેવા દેશોમાંથી પ્રતિભાશાળી લોકોને નોકરી પર રાખવામાં મદદ કરશે. એના પર ટ્રમ્પે કહ્યું- હું આ કરવા માગું છું અને કરીશ પણ. મને લાગે છે કે અમેરિકન કોલેજોમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને તરત જ ગ્રીન કાર્ડ આપવામાં આવે. એનાથી તેઓ અમેરિકામાં રહી શકશે અને અહીંના વિકાસમાં મદદ કરી શકશે.

ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓને અહીં રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમની યોજનાઓથી દેશને ફાયદો થશે. તેઓ એવા ઘણા લોકોને ઓળખે છે, જેઓ અમેરિકાથી ગ્રેજ્યુએટ થયા છે, પરંતુ તેમની પાસે ગ્રીન કાર્ડ ન હોવાથી તેઓ અહીં રહી શક્યા નથી. પછી તેઓ પોતાના દેશમાં ગયા અને ત્યાં અબજોપતિ બની ગયા.

2023ના ડેટા અનુસાર, 2 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાંથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. જો ટ્રમ્પ પોતાની વાત પર વળગી રહે તો આમાંથી ઘણા વિદ્યાર્થીઓ સરળતાથી અમેરિકન ગ્રીન કાર્ડ મેળવી શકશે.

ઇમિગ્રેશન મુદ્દે ટ્રમ્પે કડક વલણ અપનાવ્યું છે. આવી સ્થિતિમાં તેમના નિવેદનને બાઈડનની નવી નાગરિકતા નીતિનો તોડ માનવામાં આવી રહ્યો છે. 17 જૂને, બાઈડન સરકારે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સંબંધિત નવી નીતિની જાહેરાત કરી હતી.

નવા નિયમ અનુસાર, જો અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અમેરિકન નાગરિક સાથે લગ્ન કરે છે, તો તેમને નાગરિકતા મળશે. જોકે એનો લાભ ફક્ત તે જ લોકોને મળશે જેઓ ઓછાંમાં ઓછાં 10 વર્ષથી અમેરિકામાં રહે છે અને અન્ય જરૂરિયાતો પૂરી કરે છે. આ સિવાય એ બાળકો પણ તેના હકદાર હશે, જેમનાં માતા-પિતામાંથી કોઈએ અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા છે. બાઈડન સરકારનું માનવું છે કે લગભગ 5 લાખ લોકોને આનો લાભ મળશે. આ સિવાય અમેરિકન નાગરિકોનાં લગભગ 50 હજાર બાળકોને પણ આનો લાભ મળશે.

ગ્રીન કાર્ડ એ અમેરિકામાં કાયમી રહેવાનું કાર્ડ છે. જો ટ્રમ્પ આ યોજનાનો અમલ કરશે તો વિશ્વભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને કુશળ કામદારો માટે યુએસની નાગરિકતા મેળવવી સરળ બની જશે.

બાઈડનની યોજના અનુસાર જે લોકો ડંકી રૂટ્સ પર ગુપ્ત રીતે અમેરિકા પહોંચ્યા છે તેમને પણ અમેરિકન નાગરિકતા મળશે. ટ્રમ્પ આવા લોકોને અમેરિકન નાગરિકતા મળવાનો વિરોધ કરે છે.

ટ્રમ્પે બાઈડન સરકાર પર ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને રોકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે જન્મથી નાગરિકતા આપવાના નિયમને નાબૂદ કરવાની પણ વાત કરી છે. ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યા છે કે જો તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બનશે તો તેઓ મોટા પાયા પર ઈમિગ્રન્ટ્સને દેશમાંથી હાંકી કાઢશે.

Leave a comment

Trending