જી. કે. જન. અને અદાણી મેડિકલ કોલેજમાં ડોક્ટર્સ ડે ઉજવાયો

વિશ્વમાં માત્ર એક દિવસ માટે ડોક્ટર ડે ઉજવાય છે, પરંતુ આરોગ્યના રક્ષકો એવા તબીબો લોકોને રોજે રોજ નીરોગી રાખવાની મહત્વની ભૂમિકા ભજવે છે એટલે જ માનવ જાત આજે સ્વસ્થ છે માટે એક જ દિવસ નહીં રોજે રોજ એક યા બીજા પ્રકારે ડોક્ટર ડેની ઉજવણી કરવી જોઈએ એમ અદાણી ગ્રુપ હેલ્થ કેર સર્વીસિસ હેડ ડો. પંકજ દોશીએ જણાવ્યું હતું.

અદાણી મેડિકલ કોલેજના વ્યાખ્યાન કક્ષમાં ગેઇમ્સ મારફતે ૧લી જુલાઈ ડોક્ટર્સ ડે ઉજવણીના સંદર્ભમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા તેમણે ઉદબોધન કર્યું હતું અને તબીબોને  હેલ્થના હીરો ગણાવ્યા હતા.

પ્રારંભમાં ગેઈમ્સના ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈ કહ્યું કે, આ દિવસ તબીબો માટે ગરીમાનો દિવસ છે અને ડોક્ટરની સેવાને યાદ કરવાનો સુંદર અવસર છે. તેમણે ગેઈમ્સને નિશ્ચિત ઊંચાઈ પર લઈ જઈ આરોગ્ય ક્ષેત્રે પ્રજાલક્ષી બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. અત્યાર સુધીની પ્રગતિ અને આગામી દિવસોમાં આકાર લેનાર પ્રકલ્પોના  રોડમેપનું સવિસ્તર પ્રેઝન્ટેશન કર્યું હતું અને ડોક્ટર્સના સથવારે આગળ વધવા અમલીકૃત થનાર સેવાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ચીફ મેડિકલ સુપ્રિ.ડો. નરેન્દ્ર હિરાણી, મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન. ઘોષ સિવિલ સર્જન ડો.કશ્યપ બૂચ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેનાર ઇન્ડિયન મેડિકલ એસો.ના પ્રમુખ ડો.નરેશ ભાનુશાલી, કચ્છના સિનિયર ડોક્ટર્સ ડો.પી.એન આચાર્ય, ડો.નાવલેકરનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.

વીતેલા વર્ષમાં ગેઈમ્સને પરિણામલક્ષી બનાવવામાં જુદા જુદા વિભાગો અને તેમના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટની સેવાઓને બિરદાવી પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રક્તદાન દિવસ નિમિતે સેવા પ્રદાન કરનાર તબીબોનું પણ સન્માન દ્વારા નોંધ લઈ પ્રોત્સાહિત કરાયા હતા.

તબીબો પણ યોગ દ્વારા સ્વસ્થ અને તરોતાજા રહી શકે એ હેતુસર યોગ પ્રશિક્ષક હિના રાજગોરે યોગીક હેલ્થનો મહિમા સમજાવ્યો હતો. બીજી તરફ આ કાર્યક્રમના સહયોગી યસ બેન્કના અધિકારીઓએ તબીબોને જુદા જુદા ક્ષેત્રે રોકાણ બચત અંગે માર્ગદર્શન આપ્યું હતું. સંચાલન અને આભારદર્શન ડો.મોનાલી જાનીએ કર્યું હતું.

જી.કે.ના એનેસ્થેસિયા વિભાગે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરી સિપિઆરનું મહત્વ સમજાવ્યું હતું. ઈ.ઈન.ટી. ડો.પાર્થ પોમલે સોંગ રજૂ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા એડમિન અને આઇ.ટી. ટીમે જહેમત લીધી હતી. કાર્યક્રમમાં હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, તબીબો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Leave a comment

Trending