RTOનું સારથી પરિવહન પોર્ટલ વારંવાર બંધ

રાજકોટ RTOનું સારથી પરિવહન પોર્ટલ છેલ્લા 15 દિવસથી વધુ સમયથી વારંવાર બંધ થઈ જતા ITIમાં લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે કોમ્પ્યુટર ટેસ્ટ આપી શકાતી નથી. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી લોકોએ રોષ ઠાલવતા કહ્યું કે, જો સર્વર ઠપ્પ જ રહેતાં હોય તો આ પ્રકારના સેન્ટર બંધ કરી દેવા જોઈએ. જો કે, આ બાબતે જ્યારે RTO અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, સર્વર હેડ ઓફિસથી હેન્ડલ થતું હોવાથી આ બાબતે અહીંથી હું કઈ કરી શકું તેમ નથી.

રાજકોટ રહેતા હિરેન સાપરિયાએ જણાવ્યું હતું કે, મારા દીકરાનું લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે અહીં લોધિકા ITIમાં કોમ્પ્યુટર ટેસ્ટ આપવા આવ્યા છીએ. ગત એપ્રિલ માસમાં લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે એપોઇન્ટમેન્ટ લીધી હતી. બાદમાં ખીરસરામાં સ્થિત લોધિકા ITIમાં 3 વખત અપોઈન્ટમેન્ટ લીધી હતી. ત્રણથી ચાર વખત અમે અહીં ધક્કા ખાઈએ છીએ. પરંતુ સર્વર કોઈ દિવસ ચાલુ હોતા જ નથી. મારા જેવા અનેક લોકો અહીં આવે છે અને સર્વર બંધ હોવાથી કોમ્પ્યુટર ટેસ્ટ આપ્યા વિના પરત ફરે છે. અહીં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. આરટીઓમાં ફોન કર્યો તો તેઓએ ITIના પ્રિન્સિપાલની જવાબદારી

ગણાવી અને અહીં પૂછ્યું તો આરટીઓને જવાબદાર ગણાવી જવાબદારીની ફેંકાફેંકી કરવામા આવી રહી છે. અહીં લાઇસન્સ મળતું નથી અને છોકરાઓ વાહન લઈને જાય તો પોલીસવાળા રોકે છે.

જ્યારે હર્ષદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હું અહીં મારી પત્નીના લર્નિંગ લાઇસન્સ માટે કોમ્પ્યુટર ટેસ્ટ અપાવવા આવ્યો છું. બીજી વખત અપોઇન્ટમેન્ટ લીધેલી છે. બપોરે 3.30 વાગ્યાનો સમય હોવાથી 3 વાગ્યાથી અહીં આવી ગયા પરંતુ બાદમાં સર્વર બંધ થઈ જતાં 5 વાગ્યા સુધી રાહ જોઈ અને હવે અહીંથી કહેવામાં આવ્યું કે, હવે ફરી એપોઇન્ટમેન્ટ લઈ લેજો. દૂરથી અહીં આવ્યા બાદ કહેવામાં આવે છે કે, સર્વર બંધ છે અને તેની અગાઉથી જાણ પણ કરવામાં આવતી નથી.

વધુમાં જણાવ્યું હતું કે, આ સમસ્યાનું કાયમી સોલ્યુશન જરૂરી છે. કારણ કે બબ્બે કલાક સુધી બેસાડ્યા બાદ લર્નિંગ લાઇસન્સ માટે કોમ્પ્યુટર ટેસ્ટ આપવાની ના પાડવામાં આવે તે વ્યાજબી નથી. જો કનેક્ટીવીટી ન હોય તો આવા સેન્ટર બંધ કરી દેવા જોઈએ અન્યથા જ્યારે કનેક્ટિવિટી હોય ત્યારે જ અપોઈન્ટમેન્ટ આપવી જોઈએ. આ બાબતે રાજકોટ ઇન્ચાર્જ RTO અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, સારથી પરિવહન પોર્ટલ રાજ્ય કક્ષાએથી સંચાલીત થાય છે. જેથી અહીંથી આ સમસ્યાનું નિરાકરણ ન થઈ શકે. જોકે હાલ અહીં RTOની મુખ્ય કચેરી ખાતે સર્વર ચાલુ છે.

Leave a comment

Trending