જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગે છેલ્લા ૭ વર્ષથી મનોવિચ્છિન્નતા (સિઝોફ્રેનીયા) જેવા મનોવિકાર રોગથી દુઃખી પરિણીતાને ૨૫ દિવસની સારવાર આપ્યા બાદ મહિલાના જીવનમાં ફરી સુખનો સૂરજ ઊગ્યો છે.
જી.કે. ના મનોચિકિત્સા ડિપાર્ટમેન્ટના હેડ ડો.મહેશ ટીલવાણી અને ડો.રિદ્ધિ ઠક્કરે કહ્યું કે, પરિણીતાને મનોવિચ્છિન્નતાના આ રોગથી મુક્તિ આપવા મનોરોગ વોર્ડમાં દાખલ કરી શેકની સારવાર(ઈસીટી) અને દવા મારફતે તેની ૭ વર્ષથી છિન્નભિન્ન જિંદગીને સંવારી દેવાઈ. ૭ થી ૮ વાર શેક આપવા પડ્યા હતા.
તબીબોના જણાવ્યા મુજબ ભુજમાં રહેતા એક યુગલના લગ્ન ૮ વર્ષ પહેલાં થયા હતા. એક દિવસ મહિલાને ઉલ્ટી થતાં, પતી સાથે ઈમરજન્સીમાં સારવાર લેવા આવ્યા. સારવાર શરૂ કરી પણ મેડિસીનના તબીબને શારીરિક કરતાં માનસિક અસર વધુ જણાતા મનોચિકિત્સા વિભાગને દર્દી રિફર કરવમાં આવ્યું.અને મનોરોગ વિભાગે સિઝોફ્રેનીયાનું નિદાન કર્યું.
જી.કે.માં બહેન આવ્યાં તે પહેલાં છૂટ- પુટ સારવાર લીધી પણ હતી. પરંતુ અત્રે આવ્યા ત્યારે સિઝોફ્રેનીયાએ ગંભીર રૂપ ધારણ કરી લીધું હતું. ઘરમાં કંઈ જ કામ ન કરવું, પોતાની દેખભાળ ન કરવી વિગેરેથી રોજિંદા જીવનનું ચક્ર ખોરવાઈ ગયું હતું. ખાવા પીવાની શુદ્ધ – બુદ્ધ ગુમાવી દીધી હતી. પરિણામે વજન ઘટવાથી શારીરિક સક્રિયતા કમજોર બની ગઈ હતી, આવી દશા છતાં સારવારના અંતે બહેનનું જીવન પૂર્વવૃત થયું. સારવારમાં ડો.બંસિતા પટેલ અને ડો. યેશા કલ્યાણી જોડાયા હતા.
સિઝોફ્રેનીયા શું છે ?
સિઝોફ્રેનીયા એક એવો માનસિક રોગ છે, જે મગજની કામગીરીમાં રૂકાવટ ઊભી કરે છે.આ રોગને કારણે આગળ જતાં શારીરિક અને માનસિક સુખાકારીને ડામાડોળ કરે છે અને વ્યક્તિના વિચાર,વર્તન અને વ્યવહારને ખોરવી નાખે છે. આ બીમારીમાં દર્દી કે તેમના નીકટજનોને ખ્યાલ નથી આવતો કે આ એક માનસિક બીમારી છે, પરિણામે તેઓ દોરા ધાગા જેવા અંધવિશ્વાસ તરફ દોરવાઈ જય છે.






Leave a comment