કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ, દ્વારકામાં ફરી મેઘતાંડવ

રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં પોરબંદર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ સહિત જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે સવારથી કલ્યાણપુર તાલુકામાં 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાથી આખો વિસ્તારો પાણીમાં ડૂબ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. બીજી તરફ, રાજ્યમાં બપોરના 12  વાગ્યા સુધીમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ચાલો જાણીએ કયા વિસ્તારોમાં કેવો છે વરસાદી માહોલ.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, સુરત, વલસાડ, પોરબંદર સહિતના વિસ્તારોમાં બે ઈંચથી 11 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ, જૂનાગઢના માણાવદરમાં છ ઈંચ, માળીયા હાટીનામાં પાંચ ઈંચ અને વિસાવદરમાં ચાર ઈંચ, રાજકોટના ઉપલેટા અને ગીર સોમનાથના ગીર ગઢડામાં પાંચ ઈંચ, સુરતના પલસાણામાં પોણા ચાર ઈંચ અને કામરેજ, ઉમરપાડા, બારડોલીમાં ત્રણ ઈંચ, પોરબંદરના રાણાવાવ અને કુતિયાણામાં પોણા ત્રણ ઈંચ, વલસાડના વાપીમાં ત્રણ ઈંચ અને કપરાડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જૂનાગઢના અમુક શહેરો સહિત અન્ય 87 તાલુકામાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં આગામી દિવસોને લઈને હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે 22 જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર, અમેરલી, નર્મદા, ગીર સોમનાથ, ભરુચ, સુરત સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

Leave a comment

Trending