કચ્છમાં ચોમાસુ હવે રંગ પકડતું હોય તેમ જિલ્લાભરમાં ક્યાંક ભારે તો ક્યાંક ઝરમર ઝરમર વરસે છે. મંગળવારે સાંજ સુધી સિંચાઈ વિભાગે આપેલી માહિતી મુજબ મધ્યમ કદના કુલ 20 માંથી છ ડેમ અને નાની સિંચાઈના કુલ 170 માંથી 44 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.
ખાસ કરીને કચ્છના કાંઠાળ પટ્ટી પર ભારે વરસાદને કારણે જળાશય છલોછલ થઈ ગયા છે. જિલ્લાના ચાર મધ્યમ કદના 4 ડેમમાં સપાટીથી એકાદ મીટર જ પાણી બાકી છે. કચ્છમાં સિંચાઈ હેતુથી રાજાશાહીના સમયથી નાના મોટા ડેમ બનાવવામાં આવ્યા છે. જેમાં મધ્યમ કદના 20 ડેમમાંથી અબડાસાના ત્રણ ડેમ અનુક્રમે બેરાચીયા સપાટી 71 મીટર, મિટ્ટી સપાટી 18.5, કંકાવટી સપાટી 132.67 મીટર સાથે ઓગની ગયા છે. જ્યારે લખપતનો ગજણસર 30.7 મીટર, મુન્દ્રા તાલુકાનો કારાઘોઘા 37.15 મીટર અને માંડવી તાલુકાનો ડોણ ડેમ 48.40 મીટરની સપાટીએથી ઓગની રહ્યો છે. આ ડેમના નજીકના નીચલા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે જવા કંટ્રોલરૂમ દ્વારા સૂચના આપવામાં આવી છે.
અંજાર, રાપર અને ભચાઉ સિવાયના તાલુકાના નાની સિંચાઈના ડેમો ઓવરફ્લો થયા
કચ્છના નવ તાલુકાના કુલ 170 માંથી ત્રણ તાલુકા સિવાય ના બધા તાલુકામાં નાની સિંચાઈ યોજનાના 44 ડેમ ઓવરફ્લો થયા છે. ભુજના નથથરકુઈ અને સામત્રા, માંડવીના ખારોડ, રાજડા, વણોઠી, વેંગડી, દેઢીયા, ફરાદી, ગોદડીયા, દરશડી, માપર, ઘોડાલખ, વાંઢ, કોટડી, ધોકડા, મોમાઈ મોરા. મુન્દ્રા તાલુકાનું ગેલડા, નખત્રાણા તાલુકાના ગડા પૂઠા, દેવસર, નાના અંગિયા, જાડાય, ઝાલુ, કોટડા રોહા, ઉમરાપર અને ધાવડા. લખપત તાલુકાના મણિયારા અને ભાદરા. અબડાસા તાલુકાના કડોલી, કુવા પધ્ધર, બાલાચોડ, સરગુઆલા, બાલાપર, ઉસ્તીયા, બુડધ્રો, ભારાપર, બુટા, કાલરવાંઢ, મંજલ, રેલડીયા, વમોટી, સણોસરા, ખારૂઆ, કાપડીસર, વાયોર, ચકુડા, બાંડિયા અને નાની બેર ઓવરફ્લો થયા છે.






Leave a comment