વાયનાડ ભૂસ્ખલનના પાંચમા દિવસે, વહીવટીતંત્રે સ્વીકાર્યું કે તે રાહત અને બચાવ કામગીરીમાં ઝડપી પગલાં ભરવામાં નિષ્ફળ રહ્યું છે. પ્રશાસને કહ્યું હતું કે જે જગ્યાએથી ભૂસ્ખલન થયું છે ત્યાંથી મળી આવેલા 341 મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેમાંથી 146ની ઓળખ કરવામાં આવી છે.
134 લોકોના મૃતદેહના માત્ર ટુકડા જ મળ્યા છે. જે મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે તે પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે 74 અજાણ્યા મૃતદેહોના અંતિમસંસ્કાર આજે કરવામાં આવશે.
મેપ્પડીમાં 17 રાહત શિબિરમાં 707 પરિવારના 2,597 લોકોને રાખવામાં આવ્યા છે. આ વિસ્તારમાં 91 કેમ્પ બનાવવામાં આવ્યા છે, જેમાં 10,000થી વધુ લોકો રહે છે. કેરળના વાયનાડમાં 29-30 જુલાઈની રાત્રે 2થી 4 વાગ્યાની વચ્ચે ભૂસ્ખલનની 4 ઘટના બની હતી, જેમાં ચાર ગામ દટાઈ ગયાં હતાં.
સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ વીટી મેથ્યુએ જણાવ્યું હતું કે મુંડક્કઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામમાં બચાવકાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે માત્ર મૃતદેહોની શોધ ચાલી રહી છે.
કેરળમાં શનિવારે ભારે વરસાદનું એલર્ટ છે. એમાંથી કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં યલો એલર્ટ છે.
ગુરુવારે મોડીરાત્રે (ભારતીય સમય મુજબ) થયેલી દુર્ઘટના અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું- આ મુશ્કેલ સમયમાં અમે ભારતની સાથે છીએ. અમે બચાવ કામગીરીમાં સામેલ લોકોની પ્રશંસા કરીએ છીએ. બીજી તરફ ગુરુવારે વાયનાડ પહોંચેલાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આજે અહીં પીડિતોને મળશે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 1 ઓગસ્ટના રોજ વાયનાડ પહોંચ્યા હતા. બંનેએ અસરગ્રસ્તો સાથે વાત કરી હગતી. રાહુલે કહ્યું- આજે હું એ જ અનુભવી રહ્યો છું જેવો મેં મારા પિતાના મૃત્યુ સમયે કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું- કોંગ્રેસ પાર્ટી અહીં 100થી વધુ ઘર બનાવશે. રાહુલે વાયનાડ અને રાયબરેલીથી લોકસભા ચૂંટણી જીતી હતી. તેમણે વાયનાડ બેઠક છોડી દીધી હતી. હવે પ્રિયંકા વાયનાડથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે.
વાયનાડના કલેક્ટર મેઘશ્રીએ કહ્યું- ભૂસ્ખલનથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો મુંડક્કઈ અને ચુરલમાલાને 6 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. અહીં ડોગ-સ્ક્વોડની સાથે રેસ્ક્યૂ ટીમ ગુમ થયેલા લોકો અને મૃતદેહોને શોધવા માટે સર્ચ-ઓપરેશન ચલાવી રહી છે. એમાં સશસ્ત્ર દળો અને પોલીસની 40 ટીમ સામેલ છે.
કેરળના મુખ્યમંત્રી વિજયને કહ્યું હતું કે બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે. આનો અર્થ એ છે કે ફસાયેલા પીડિતોને બચાવી લેવામાં આવ્યા છે અને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. ઘાયલોની સારવાર ચાલુ છે. હવે કાટમાળ હટાવવા અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. બચાવમાં સેનાએ પ્રશંસનીય કામગીરી કરી છે.
તામિલનાડુની વિપક્ષી પાર્ટી AIADMKએ વાયનાડ પીડિતો માટે 1 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. પાર્ટીના મહાસચિવ અને પૂર્વ મુખ્યમંત્રી પલાનીસ્વામીએ કહ્યું હતું કે 1 કરોડ રૂપિયા ઉપરાંત અમે પાડોશી રાજ્યોમાં પણ રાહત સામગ્રી મોકલીશું.






Leave a comment