આજથી આરબીઆઈની મોનેટરી પોલિસી બેઠક શરૂ થઈ ચૂકી છે. ગુરૂવારે હોમ અને કાર લોનના ઈએમઆઈ ઘટવાની શક્યતા છે કે નહીં, તેના પર નિષ્ણાતો વિવિધ અટકળો લગાવી રહ્યા છે. 6થી 8 ઓગસ્ટ યોજાનારી એમપીસી બેઠકમાં વ્યાજના દરો પર ચર્ચા થશે, બાદમાં 8 ઓગસ્ટે આ મામલે જાહેરાત કરવામાં આવશે. મોટાભાગના લોકોનું માનવું છે કે, આરબીઆઈ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરશે નહીં. આરબીઆઈ રેપો રેટ 6.5 ટકા પર જાળવી રાખશે.
યુએસ ફેડરલ રિઝર્વે હાલમાં તેના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે, તેણે સંકેત આપ્યા છે કે આગામી મહિનાઓમાં તે વ્યાજના દરોમાં ડોવિશ વલણ અપનાવી શકે છે. નિષ્ણાતો માને છે કે સતત ફુગાવાના દબાણ વચ્ચે, આરબીઆઈ વ્યાજ દરમાં ફેરફાર કરતા પહેલાં યુએસ મોનેટરી પોલિસી પર નજર રાખશે, જેમાં ફેબ્રુઆરી 2023થી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
મોનેટરી પોલિસી કમિટી (MPC) દ્વારા છેલ્લા 14 મહિનાથી વ્યાજનો દર 6.5 ટકાના ઊંચા દરે જાળવી રાખવામાં આવ્યો છે. દેશમાં પણ મોંઘવારી વધી છે. જૂનમાં મોંઘવારીનો દર વધ્યો હતો, તેમજ જુલાઈમાં પણ વધારો જારી રહેવાનો અંદાજ છે. જેથી હાલ આરબીઆઈ તેમાં કોઈ ઘટાડો કરશે નહીં. આર્થિક વૃદ્ધિ ઝડપથી વધી રહી હોવા છતાં ફુગાવાના ભારણ અને જિયો-પોલિટિકલ ક્રાઈસિસની અસરોને દૂર કરવા વ્યાજના દરો જાળવી રાખવા જરૂરી છે.
બેન્ક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે આરબીઆઈ આગામી ક્રેડિટ પોલિસીમાં દરો યથાવત રાખશે. ફુગાવો આજે 5.1 ટકાના સ્તરે ઊંચો છે અને આગામી મહિનાઓમાં ઘટવાની શક્યતા છે. આર્થિક ગ્રોથ સ્થિર માર્ગે છે, વર્તમાન વ્યાજના દરો વેપાર કે આર્થિક વૃદ્ધિથી વિપરિત અસર કરી રહ્યા નથી.
બેન્કો રેપો રેટના આધારે એફડી અને લોન પરના વ્યાજ દરો નક્કી કરે છે. રેપો રેટમાં વધારો થાય તો બેન્ક એફડીના દરો પણ વધે છે, સાથે સાથે લોનના વ્યાજ પણ વધે છે. જેનાથી હોમ લોન, ઓટો લોન, સહિતની એમસીએલઆર રેટ પર નિર્ભર લોનના ઈએમઆઈ વધી જાય છે. જ્યારે ઘટાડો લોનધારકોને રાહત આપે છે.






Leave a comment