જમ્મુ-કાશ્મીરને ઓક્ટોબરમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી શકે

કેન્દ્રીય સામાજિક ન્યાય અને આધિકારિક રાજ્ય મંત્રી રામદાસ અઠાવલે કહ્યું છે કે કેન્દ્ર સરકાર આ વર્ષે ઓક્ટોબર મહિના પહેલા જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી શકે છે. મહારાષ્ટ્ર, ઝારખંડ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર પહેલા યોજાવાની છે. આ સ્થિતિમાં લાગી રહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થઈ શકે છે અને ઓક્ટોબર મહિનામાં ત્યાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે.

જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે શ્રીનગરમાં થયેલી બેઠક દરમિયાન અઠાવલેએ કહ્યું કે, ‘કલમ 370 હટાવ્યા બાદ અહીં પ્રવાસનનો વિકાસ થયો છે. વિદેશીઓ સહિત 2.11 કરોડથી વધુ પ્રવાસીઓ અહીં આવ્યા છે. લોકો હવે કાશ્મીર આવવાથી ડરતા નથી. એલજીએ મને કહ્યું છે કે કેટલીક અપ્રિય ઘટનાઓ વચ્ચે હવે શાંતિ સ્થાપિત થઇ રહી છે. ‘

રામદાસ અઠાવલેએ કહ્યું હતું કે, ‘ અમારો રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા પક્ષ જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછા 10-15 ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. પાકિસ્તાનના સમર્થનથી આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)થી અહીં ઘૂસણખોરી કરે છે. મને લાગે છે કે પાકિસ્તાને ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તે પ્રગતિ કરવા માંગે છે, તો તેણે ભારત સાથે સારા સંબંધો જાળવી રાખવા પડશે.’ પાકિસ્તાનને આંતકવાદને ખતમ કરવો જોઈએ, અને પીઓકેને ભારતને સોંપી દેવું જોઈએ. પાકિસ્તાને પોતાના સામાજિક અને આર્થિક વિકાસ માટે ભારતની મદદ લેવી જોઈએ. પાકિસ્તાનને આ વાત ક્યારે સમજાશે તે ખબર નથી.

Leave a comment

Trending