રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ તેની નવમી બેઠકમાં પણ અપેક્ષા પ્રમાણે ૬.૫૦ ટકા રેપો રેટ જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. ખાધાખોરાકીના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી રેપો રેટ જાળવી રાખવાનો નિર્ણય આવી પડયો છે. વર્તમાન નાણાં વર્ષના ફુગાવા તથા આર્થિક વિકાસ દરના અંદાજને પણ ત્રણ દિવસની બેઠકના અંતે જાળવી રખાયા હતા. વ્યાજ દર યથાવત રહેતા હોમ સહિતની વિવિધ લોનધારકોના ઈએમઆઈમાં તાત્કાલિક ઘટાડો નહીં થાય.
૨૦૨૩ના એપ્રિલથી રેપો રેટ ૬.૫૦ ટકાના સ્તરે જાળવી રખાયો છે. એમપીસીના છ સભ્યોમાંથી ચાર સભ્યોએ વ્યાજ દર જાળવી રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું. ફુગાવાને ચાર ટકાના ટાર્ગેટ સુધી નીચે લાવવા એમપીસીએે સવલત પાછી ખેંચવાના વલણને પણ જાળવી રખાયું હતું. ખાધાખોરાકીના ઊંચા ભાવને પરિણામે જૂનમાં ફુગાવો વધી ૫.૦૮ ટકા રહ્યો હતો.
ભાવમાં સ્થિરતા વગર ઊંચો વિકાસ દર ટકી શકતો નથી અને નાણાં નીતિ ફુગાવાને નીચે લાવવા તરફી હોવી જોઈએ એમ બેઠક બાદ જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું.
ખાધાખોરાકીના ફુગાવાના દબાણને અવગણી શકાય નહીં, એમ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ત્રણ દિવસની બેઠકના અંતે પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું હતું. રિટેલ ફુગાવાને નીચે લાવવાનો અમારો ટાર્ગેટ છે. રિટેલ ફુગાવામાં ખાધાખોરાકીનું વેઈટેજ ૪૬ ટકા છે. ખાધાખોરાકીના ઊંચા હિસ્સાને ધ્યાનમાં રાખતા તેના ઊંચા ભાવને અવગણી શકાય નહીં.
સખત નાણાં નીતિને કારણે થયેલા લાભોનું ખાધાખોરાકીના ઊંચા ફુગાવાને કારણે ધોવાણ ન થઈ જાય તેની ખાતરી રાખવા એમપીસીએ સતત સજાગ રહેવું પડશે, એમ દાસે વધુમાં જણાવ્યું હતું.
ફુગાવો ઘટી રહ્યો છે, પરંતુ તે ઘટવાની ગતિ ધીમી પડી છે, માટે ચાર ટકાના ટાર્ગેટ સુધી મજબૂત રીતે પહોંચીએ તે પણ જોવાનું રહેશે. આમ થશે તો જ દેશના આર્થિક વિકાસને ટેકો પૂરો પાડવામાં નાણાં નીતિએ શ્રેષ્ઠ યોગદાન આપ્યાનું ગણી શકાશે.
વર્તમાન નાણાં વર્ષ માટે રિટેલ ફુગાવાના ૪.૫૦ ટકા તથા આર્થિક વિકાસ દરના ૭.૨૦ ટકાના અંદાજને રિઝર્વ બેન્કે જાળવી રાખ્યો છે.
દેશમાં કૃષિ પ્રવૃત્તિમાં વધારાથી ગ્રામ્ય ઉપભોગમાં વધારો થવાની શકયતા છે જ્યારે સેવા ક્ષેત્રના સ્થિર વિકાસથી શહેરી ઉપભોગને ટેકો મળી રહેશે.
દરમિયાન રેપો રેટ જાળવી રખાતા હોમ, વાહન, વ્યક્તિગત સહિતની લોનના દરમાં ઘટાડો થવાની શકયતા જોવાતી નથી એટલું જ નહીં લોનધારકોએ ઈએમઆઈમાં પણ ઘટાડા માટે રાહ જોવી પડશે તેમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
*સતત નવમી વખત રેપો રેટ ૬.૫૦ ટકા જાળવી રખાયો
*વિકાસને ટેકો આપવા સાથે ફુગાવા પર નિયંત્રણ લાવવા એકોમોડેશન વલણ પાછું ખેંચવા પર ધ્યાન ચાલુ રહેશે
* વર્તમાન નાણાં વર્ષ માટે જીડીપી અંદાજ ૭.૨૦ ટકા જ્યારે ફુગાવાની ૪.૫૦ ટકાની ધારણાં જાળવી રખાઈ
* યુપીઆઈ મારફત ટેકસની ચૂકવણી મર્યાદા રૂપિયા એક લાખથી વધારી પાંચ લાખ કરાઈ
*ચેક ક્લિઅરન્સનો સમયગાળો દિવસો પરથી ઘટાડી કલાકો કરાયો
* ફોરેકસ રિઝર્વ વધી ૬૭૫ અબજ ડોલર સાથે ઓલ ટાઈમ હાઈ પહોંચ્યાની જાહેરાત






Leave a comment