– સ્તનપાન કરાવતી માતા બાળક માટે દુર્ગા, લક્ષ્મી, અને સરસ્વતી દેવીનું સાક્ષાત સ્વરૂપ
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં બાળ રોગ વિભાગ દ્વારા ૧લી થી ૭મી ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
હોસ્પિટલના કોન્ફરન્સ કક્ષમાં આ ઉજવણી દરમિયાન બાળ રોગ નિષ્ણાત અને પ્રોફે.ડો. રેખાબેન થડાનીએ કહ્યું કે, સ્તનપાન કરાવતી દરેક માતા પોતાના બાળક માટે દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીનું સાક્ષાત સ્વરૂપ છે, કેમકે માતાના ધાવણ દ્વારા જ બાળક પૂર્ણ રૂપે ખીલે છે.
તેમણે ઉપસ્થિત માતાઓને ધાવણનું મહત્વ સમજાવતા કહ્યું કે, બાળક જન્મે પછી અડધા કલાકમાં જ ધાવણ આપવાનું શરૂ કરવું જોઈએ અને સતત છ મહિના સુધી ધાવણ ઉપર જ રાખવો જોઈએ જેથી બાળક ક્યારેય બીમાર નહીં પડે અને તેના શરીર અને દિમાગનો પણ સંપૂર્ણ વિકાસ થશે. તેમણે પાવડરના દૂધ આપવા સામે લાલબત્તી ધરતા કહ્યું કે, તેનાથી બાળકનો વિકાસ અપૂર્ણ રહે છે માટે બાળકને છ મહિના સુધી સતત અને ત્યારબાદ ડોક્ટરની સલાહ મુજબ ખોરાક આપવાની સાથે બે વર્ષ સુધી સ્તનપાન કરાવતા રહેવું જોઈએ.
માતાઓ એવી પણ ફરિયાદ કરે છે કે બાળકને તેમનું દૂધ પૂરું નથી થતું તે અંગે માર્ગદર્શન આપતા કહ્યું કે, જો બાળક ધાવ્યા પછી બે કલાક ઊંઘી જાય અને તો સમજવું કે દૂધ પૂરતું છે.બાળરોગ નિષ્ણાત સંદીપ તીલવાણી તેમજ સમીમ મોરબીવાલાએ પણ માર્ગદર્શન આપ્યું હતું.હોસ્પિટલના આસિ.નર્સ સુપ્રિ. હસીનાબેન આલિયાણીએ કચ્છીમાં સ્તનપાન વિશે સમજ આપી હતી.
આ પ્રસંગે હોસ્પિટલના ડાયટીશ્યન પૃથ્વીબેન લખલાણીએ ધાત્રી માતાઓને લેવાના ખોરાક વિશે જાણકારી આપી હતી, જ્યારે ઇન્નવ્હિલ ક્લબ ઓફ ફ્લેમિંગોની બહેનો ઉપસ્થિત રહી માતાઓને બ્લેન્કેટ ભેટ આપ્યા હતા. ક્લબના મંત્રી વિશ્વાબેન ધલ, આરતીબેન શાહ,કૃપાબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન શિલ્પા સુપેકર હતા.






Leave a comment