PM મોદીના આદેશ પર લેટરલ એન્ટ્રી દ્વારા એપોઇન્ટમેન્ટનો ઓર્ડર રદ

UPSCએ 17 ઓગસ્ટે લેટરલ એન્ટ્રી ભરતી માટે 45 જગ્યા પર વેકન્સી બહાર પાડી હતી. હવે એને રદ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે UPSC અધ્યક્ષને સૂચના રદ કરવા કહ્યું. પીએમ મોદીના કહેવા પર આ નિર્ણય બદલવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ પણ આ વેકન્સીનો વિરોધ કર્યો હતો. રાહુલે કહ્યું હતું- લેટરલ એન્ટ્રી દ્વારા SC-ST અને OBC વર્ગોના અધિકારો ખુલ્લેઆમ છીનવાઈ રહ્યા છે. મોદી સરકાર RSSના લોકોની જાહેર સેવક તરીકે ભરતી કરી રહી છે.

રાહુલ ગાંધીને જવાબ આપતાં કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે લેટરલ એન્ટ્રી દ્વારા જ પૂર્વ પીએમ મનમોહન સિંહને 1976માં નાણાં સચિવ, મોન્ટેક સિંહ અહલુવાલિયાને પ્લાનિંગ કમિશનના ડેપ્યુટી ચેરમેન અને સોનિયા ગાંધીને નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ (NAC)ના ચીફ બનાવવામાં આવ્યાં હતાં.

કોંગ્રેસે લેટરલ એન્ટ્રીની શરૂઆત કરી હતી. હવે પીએમ મોદીએ UPSCને નિયમો બનાવવાની સત્તા આપીને લેટરલ એન્ટ્રી સિસ્ટમને સુવ્યવસ્થિત કરી છે. અગાઉની સરકારોમાં લેટરલ એન્ટ્રીની ફોર્મલ સિસ્ટમ નહોતી.​​​​​​

લેટરલ એન્ટ્રી નોટિફિકેશનને રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા X પર લખ્યું- અમારા દલિત, આદિવાસી, પછાત અને નબળા વર્ગના સામાજિત ન્યાય માટે કોંગ્રેસ પાર્ટીની લડાઈએ ભાજપની અનામત છીનવી લેવાની યાજનાને નિષ્ફળ બનાવી દીધી છે. લેટરલ એન્ટ્રી પર મોદી સરકારનો પત્ર દર્શાવે છે કે બંધારણની શક્તિ જ સરમુખત્યારશાહી સત્તાના ઘમંડને હરાવી શકે છે.

લેટરલ એન્ટ્રી એટલે પરીક્ષા વિના સીધી ભરતી. લેટરલ એન્ટ્રી દ્વારા કેન્દ્ર સરકાર UPSCની મોટી જગ્યાઓ પર ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની સીધી ભરતી કરે છે. એમાં મહેસૂલ, નાણાં, આર્થિક, કૃષિ, શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં લાંબા સમયથી કામ કરતા લોકોનો સમાવેશ થાય છે.

સરકારી મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી, ડિરેક્ટર્સ અને ડેપ્યુટી સેક્રેટરીની જગ્યાઓ પર ભરતી લેટરલ એન્ટ્રી દ્વારા કરવામાં આવે છે. યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી, જેમાં સંયુક્ત સચિવ કક્ષાના પદ માટે 6077 અરજી મળી હતી. UPSCની પસંદગી પ્રક્રિયા પછી, 2019માં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં 9 નિમણૂક કરવામાં આવી હતી.

Leave a comment

Trending