રાજકોટ અગ્નિકાંડ કેસ સેશન્સ કમિટ થયો, પ્રથમ સુનાવણી આગામી 3 સપ્ટેમ્બરના થશે

બાળકો સહિત 27 નિર્દોષ લોકોનો ભોગ લેનાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડનો કેસ આજે  સેશન્સ કમિટ થયો હતો. આ કેસની પ્રથમ સુનાવણી આગામી તા. 3 સપ્ટેમ્બરના રોજ થશે.

ગુજરાતને હચમચાવનાર આ કેસમાં તપાસ કરતી સિટે કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી. કેસને 60 દિવસ પૂરા થાય તે પહેલા સિટે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. આ કેસ આજે નીચેની કોર્ટ દ્વારા સેશન્સ કમિટ કરવામાં આવનાર હતો. જેને કારણે તમામ 15 આરોપીઓને જેલમાંથી નીચેની કોર્ટમાં હાજર રખાયા હતાં.

જ્યાં તમામ આરોપીઓને ચાર્જશીટ સહિતના કાગળોની કોપી પૂરી પડાયા બાદ અદાલતે આ કેસને સેશન્સ કોર્ટમાં કમિટ કરવાનો હુકમ ફરમાવ્યો હતો. જેના પગલે સેશન્સ કોર્ટ દ્વારા આ કેસની પ્રથમ સુનાવણી આગામી તા. ૩ સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂંક કરવામાં આવી છે.

બીજી તરફ આ કેસના મુખ્ય આરોપી પૈકીના મનસુખ સાગઠિયા સામે કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. જેમાં તેના પુત્ર કેયુર, પત્ની ભાવનાબેન અને ભાઈ દિલીપને એસીબીએ પૂછપરછ માટે બોલાવ્યા હતાં. ત્યારપછી આ ત્રણેય જણાએ સેશન્સ કોર્ટમાં ધરપકડની દહેશતથી આગોતરા જામીન અરજી કરી હતી. જેની આજે સુનાવણી હતી. હવે વધુ સુનાવણી આગામી 29મીએ થશે.

આ જ રીતે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા સામે પણ અપ્રમાણસર મિલકતો અંગે એસીબીએ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં ઠેબાએ પણ રેગ્યુલર જામીન અરજી કરી છે. તેની રેગ્યુલર જામીન અરજી અને સાગઠિયાના પરિવારના ત્રણ સભ્યોની આગોતરા જામીન અરજી સામે એસીબીના તપાસનીશ અધિકારીએ સેશન્સ કોર્ટમાં સોગંદનામુ ફાઇલ કર્યું છે. ઠેબાની રેગ્યુલર જામીન અરજી પર પણ આગામી તા. 29મીએ વધુ સુનાવણી હાથ ધરાશે.

Leave a comment

Trending