કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદ પહોંચતા સ્વાગત કરાયું, આવતીકાલે ચાંદખેડામાં સમાપન થશે

ગુજરાત કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટથી ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે દુર્ઘટના બની હોય તે વિસ્તારમાંથી ન્યાય યાત્રા નીકળી હતી. ન્યાય યાત્રા આજે અમદાવાદ શહેરમાં પ્રવેશી છે. મહત્વનું છે કે, ન્યાય યાત્રામાં એકપણ રાષ્ટ્રીય નેતા જોડાયા નથી. ન્યાય યાત્રાનું અગાઉ ગાંધીનગર ખાતે સમાપન થવાનું હતું જે આવતીકાલે અમદાવાદમાં સમાપન થશે.

ગુજરાત કોંગ્રેસના સેવા દળ દ્વારા મોરબીથી પીડિત પરિવારો માટે ન્યાય યાત્રા યોજવામાં આવી હતી. 9 ઓગસ્ટે શરૂ થયેલી ન્યાય યાત્રા આજે અમદાવાદ શહેરમાં પહોંચી છે. સરખેજ ખાતેથી શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓએ ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું હતું. ન્યાય યાત્રા કોંગ્રેસ ઓફિસ પહોંચશે. ત્યાથી ગાંધી આશ્રમ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી આગળની તરફ વધશે. આવતીકાલે ન્યાય યાત્રાનું ચાંદખેડામાં સમાપન થશે. અગાઉ ન્યાય યાત્રા ગાંધીનગરના પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ હવે ન્યાય યાત્રા અમદાવાદમાં જ પૂર્ણ થશે.

કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટના બાદ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. આ દરમિયાન તેઓ ગુજરાતમાં બનેલી અલગ અલગ ઘટનાના પીડિત પરિવારોને મળ્યા હતા. રાહુલ ગાંધીના આવ્યા બાદ સેવા દળ દ્વારા ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટના, રાજકોટ TRP મોલમાં અગ્નિકાંડ, વડોદરા બોટકાંડ અને સુરત તક્ષશીલા અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે તે માટે ન્યાય યાત્રા યોજવામાં આવી છે. આ ન્યાય યાત્રા મોરબી અને રાજકોટના વિસ્તારોમાં પણ પહોંચી હતી.

ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ રાહુલ ગાંધી આવ્યા નથી. આ ઉપરાંત યાત્રાના અંતિમ દિવસે મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહેવાના હતા. પરંતુ ખડગેનું પણ ન્યાય યાત્રામાં આવવાનું રદ થયું હતું. યાત્રાનું સમાપન ગાંધીનગરમાં કરવાનું નક્કી કરાયું હ.તું પરંતુ તે પણ હવે બદલાયું છે. યાત્રામાં અનેક જગ્યાએ માત્ર કોંગ્રેસના કાર્યકરો જ દેખાય હતા. યાત્રાને સારો પ્રતિસાદ ન મળતાં કાર્યકરોમાં પણ યાત્રાને લઇને ઉત્સાહ દેખાયો નહતો.

9 ઓગસ્ટે મોરબીથી શરૂ થયેલી યાત્રા ટંકારા, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર, વિરમગામ, છારોડી થઈને અમદાવાદ પહોંચી છે. આવતીકાલે ન્યાય યાત્રાનું ચાંદખેડા ખાતે સમાપન થશે. આવતીકાલે સવારે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં ન્યાય યાત્રાનું સમાપન કરવામાં આવશે.

Leave a comment

Trending