વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે એક દિવસ કોંગ્રેસના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સત્રની શરૂઆતની પ્રથમ મિનિટથી 21 મિનિટ સુધી ગૃહમાં માથાકૂટ ચાલી હતી.
વિપક્ષના પ્રશ્નો ગૃહમાં દાખલ ન થતા હોવાની માગ સાથે માથાકૂટ થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. વિપક્ષના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં દરખાસ્ત મૂકી હતી. વિધાનસભાના નિયમોના નિયમ 52 પ્રમાણે આજના દિવસ પૂરતું કોંગ્રેસના સભ્યોને નિલંબિત કરવા દરખાસ્ત કરી છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દરખાસ્તને ટેકો આપ્યો છે. વિધાનસભા અધ્યક્ષે દરખાસ્તને મત માટે ગૃહમાંથી મૂકી છે. બહુમતી સભ્યોએ કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવા માટે મત આપ્યો હતો. દરખાસ્ત બાદ બહુમતીને આધારે વિધાનસભા અધ્યક્ષે નિર્ણય લીધો હતો.
વિધાનસભા સત્રના બીજા દિવસની શરૂઆતમાં ટૂંકી મુદતના પ્રશ્નોની ચર્ચા થવાની હતી. વાગરા વિધાનસભા બેઠકના ભાજપ ધારાસભ્ય અરવિંદ રાણાનો વ્યાજખોરો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા અંગેનો ટુંકી મુદતનો પ્રશ્ન પૂછવા માટે અધ્યક્ષે સુચના આપી હતી. જો કે, ગૃહમાં પ્રશ્ન પૂછાય એ પહેલા કોંગ્રેસના અમિત ચાવડાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી અને કોંગ્રેસ પક્ષના સભ્યોના પ્રશ્નો દાખલ ન કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. વધુમાં આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું કે, સત્તા પક્ષના સભ્યોના પ્રશ્નો તાત્કાલિક દાખલ કરવામાં આવે છે જ્યારે કોંગ્રેસના પ્રશ્નોને દાખલ કરવામાં આવતા નથી. સત્રની શરૂઆતથી લગભગ 21 મિનિટ સુધી આ મુદ્દે માથાકૂટ ચાલી હતી. આ માથાકૂટને અંતે કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. જે બાદ સંસદીય મંત્રીની દરખાસ્તને આધારે અધ્યક્ષે ગૃહમાં મત મેળવ્યા બાદ કોંગ્રેસના તમામ સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.






Leave a comment