ભારતમાં દર વર્ષે ૨૫મી ઓગસ્ટ થી ૮મી સપ્ટેમ્બર સુધી નેત્રદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, કારણ કે વર્તમાન સંજોગોમાં દેશને આંખના પ્રત્યારોપણ માટે જરૂરી ૨.૫ લાખ જેટલા કોર્નિયાની અર્થાત કીકીની જરૂરિયાતની સામે ભારતમાં માત્ર ૫૦,૦૦૦ કોર્નિયા ઉપલબ્ધ છે ત્યારે નેત્રદાન માટે લોકોમાં જાગૃતિ આવે એ ખૂબ જ આવશ્યક છે.
દેશની આ પરિસ્થિતિ વચ્ચે જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં વર્ષ ૨૦૧૮ થી અત્યાર સુધી એટલે કે છેલ્લા છ વર્ષમાં ૧૪૦ જેટલી સફળ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ચક્ષુ નિષ્ણાત ડો.લક્ષ્મી આહીર દ્વારા કરવામાં આવી છે.
હજુ પણ આંખના પ્રત્યારોપણનો અને તે માટેની જાગૃતિનું કામ બમણા વેગથી કરવાની જરૂરિયાત હોવાથી જી.કે.ના આઇ વિભાગના હેડ ડો. કવિતા શાહના વડપણ હેઠળ ડો. અતુલ મોડેસરા, ડો. સંજય ઉપાધ્યાય, ડો. લક્ષ્મી આહીર, ડો. મોનિકા ઠક્કર, ડો. નૌરીન મેમણ, ડો. મિત ઠક્કર, ડો.ચિંકિત વોરા, ડો. તૃપ્તિ પરીખ, ડો. વૃંદા ગોગદાની,ડો. ધ્રુવી શાહ,ડો. રાહી પટેલ, ડો. રવિ સોલંકી અને ડોક્ટર ચિંતન ચૌધરી ચક્ષુદાન પખવાડિયામાં નેત્રદાનનું મહત્વ લોકોને સમજાવશે અને વિવિધ કાર્યક્રમો યોજી જરૂરી માર્ગદર્શન આપશે.
આંખ એ કુદરતે માણસને આપેલી અનમોલ ભેટ છે. મોતિયો, આંખના નંબરની ખામી, જામર, કીકીના રોગો વિગેરે અંધત્વ માટે મુખ્ય જવાબદાર કારણો છે. કીકી અથવા કોર્નિયા એ આંખોનો આગળનો ચમકતો પારદર્શક ભાગ છે. કીકીના રોગો જેવા કે વિટામિન એ ની ઉણપ, ફૂલું પડવું, રસી થવી, આંખમં ઈજા થવી, આંખમાં એસિડ કે ચૂનો પડવો, નેત્રખીલ,એલર્જી, જન્મજાત કીકીના રોગો ડાયાબિટીસ તથા ઓપરેશન બાદ કીકી ઉપર આવતો સોજો વગેરે કારણે પારદર્શક આંખ અપારદર્શક બની જાય છે, જેથી દેખાતું બંધ થાય છે અને પ્રત્યારોપણ માટે બીજી આંખની જરૂર પડે છે.જે નેત્રદાનથી જ ઉપલબ્ધ બને છે.
એટલે જ નેત્રદાન એ મહાદાન કહેવાય છે. જેના દ્વારા લોકોને દુનિયા જોવાનો મોકો મળે છે, પરંતુ સામાજિક પરંપરાઓને કારણે અથવા ભય અને મૂંઝવણના કારણે લોકો નેત્રદાન કરતા અચકાય છે. બીજી તરફ જે લોકો આવું કરવા માંગે છે તેઓ આંખના પ્રત્યારોપણ ને લગતી જરૂરી માહિતીના અભાવે ચક્ષુદાન કરી શકતા નથી. જિલ્લાની અનેક સંસ્થાઓ જેમ કે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી, રોટરી ક્લબ અંજાર,લાયન્સ કલબ ભુજ લોકોમાં નેત્રદાન માટે જાગૃતિ ફેલાવવા, લોકોને પ્રોત્સાહિત કરવા તેમજ લોકોને અન્ય સંબંધિત માહિતી આપવાનું કાર્ય કરે છે જે ઉપયોગી પુરવાર થઈ રહ્યું છે.
જે કોઈ વ્યક્તિ તેની આંખનું દાન કરવા ઈચ્છતા હોય તેમણે ગેઇમ્સની આઇ બેન્કના મોબાઈલ નંબર:૯૭૨૬૪ ૩૦૭૮૩ ઉપર જાણ કરવા ચક્ષુ નિષ્ણાતોએ અનુરોધ કર્યો છે અને કોઈ ખોટી માન્યતાથી પ્રેરાવાને બદલે ચક્ષુદાન કરીને દ્રષ્ટિની ભેટ આપવાનો પ્રયાસ કરવો જોઈએ.






Leave a comment