હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણ વિશે આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી ત્રણ દિવસ હજુ પણ ગુજરાત રાજ્ય માટે ભારે રહેશે તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ માટે આગામી 48 થી 72 કલાક અત્યંત ભારે વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાંથી જે લોપ્રેશર આગળ વધ્યું હતું તે હાલમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થઈને કચ્છના અખાત તરફ આગળ વધી રહ્યું છે. જે હાલમાં ભુજથી 50 કિમી દૂર કેન્દ્રિત થયું છે જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તેને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત ચાર દિવસથી અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે તેવામાં છેલ્લા 24 કલાક દરમિયાન દ્વારકામાં રાજ્યનો સૌથી વધુ 43 સેમી વરસાદ વરસ્યો છે. તદુપરાંત જામનગરમાં પણ 38 સેમી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેમાંથી એક ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયેલ બંગાળની ખાડીનું પ્રેશર તથા દક્ષિણ ગુજરાત ઉપર ઓફ શોર ટ્રફ અને ઉત્તર ગુજરાત ઉપર એક મોન્સુન ટ્રફ પસાર થઈ રહ્યો છે, જે ડીપ ડિપ્રેશન સાથે સંકળાયેલો છે. તેને કારણે આજે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, આગામી 48 કલાક બાદ તેનું જોર ઘટી શકે છે. હજુ પણ વરસાદનું જોર રહેતા આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, આ ઉપરાંત ત્રણ દિવસ દરમિયાન ભારે ગાજવીજ સાથે રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે. છેલ્લા પાંચથી સાત દિવસથી ગુજરાત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે હાલમાં રાજ્યભરમાં જરૂરિયાત કરતા વધુ વરસાદ નોંધાયો છે. તેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં જરૂરિયાત કરતા 40% વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જરૂરિયાત કરતા 1 જૂનથી આજ સુધીમાં 67 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવે છે. તેમાં આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક હજુ પણ રાજ્યના પશ્ચિમ ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે. જ્યારે જે ડીપ ડિપ્રેશનને કારણે વરસાદ વરસી રહ્યો છે તે હાલમાં નબળું પડ્યું છે અને હજુ પણ આગામી 36 થી 48 કલાક દરમિયાન તે કચ્છ ઉપર સ્થિર થશે. કારણ કે તેને આગળ વધવા માટે યોગ્ય હવામાન ન મળતા આગામી 36 થી 48 કલાકથી કચ્છ ઉપર જ સ્થિર થાય છે. જેને કારણે પાકિસ્તાનના બોર્ડર વિસ્તાર સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ આ સમયગાળા દરમિયાન ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આગળ વધ્યું હતું તે વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને ગુજરાતમાં સારા વરસાદ લાવ્યું છે. પરંતુ હાલમાં યોગ્ય હવામાન ન મળતા તે નબળું પડી રહ્યું છે અને તે હવે ડીપ ડીપ્રેશનમાંથી ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે તથા આગામી કેટલાક કલાકોમાં તે ફરીથી લોપ્રેશર બાદમાં લો પ્રેશર માં પરિવર્તિત થશે અને તે આગળ વધીને પાકિસ્તાન તરફથી અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે ભળી જશે. પરંતુ આગામી 48 કલાક તો વરસાદની ભારે સંભાવના છે. ત્યારબાદ ગુજરાત રાજ્યને આ અત્યંત ભારે વરસાદી સિસ્ટમમાંથી મુક્તિ મળશે. 30 ઓગસ્ટ 2024ની સવાર સુધીમાં આ ડિપ્રેશન અરબ સાગરમાં પહોંચી જશે. આથી રાજ્યના ભાગોમાં વરસાદનું જોર ઘટશે. જો કે, હાલમાં આ વરસાદી સિસ્ટમ કચ્છ ઉપર સક્રિય થઈને નબળી પડી છે. તેને કારણે મધ્યપ્રદેશ તરફના ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનો જોર ઘટ્યું છે. પરંતુ હજુ પણ 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અતિ ભારે વરસાદ લાવી શકે છે.






Leave a comment