દૃષ્ટિ નબળી હોય તેમને વાંચનમાં તકલીફ પડતી હોય છે. ચશ્મા પહેર્યા વિના વાંચવું એમના માટે અશક્ય બની જતું હોય છે. ‘પ્રેસ્બાયોપિયા’ નામની ખાસ કરીને મોટી વયે થતી આ સમસ્યાનું નિવારણ કરી આપે એવી એક દવાને તાજેતરમાં ભારતમાં વેચાણ માટે મંજૂરી આપવામાં આવી છે. ચાલો, જાણીએ એ દવા વિશે.
પ્રેસ્બાયોપિયા એ વય-સંબંધિત સ્થિતિ છે, જેમાં વ્યક્તિ માટે વસ્તુઓને નજીકથી જોવાનું મુશ્કેલ બનતું હોય છે. સામાન્ય રીતે 40 ના દાયકાના મધ્યમાં આ સ્થિતિ સર્જાવાનું શરૂ થતું હોય છે. ઉંમર વધતાં આંખના લેન્સ સખત થઈ જતા હોવાથી એની લવચીકતા ઓછી થઈ જતી હોય છે, જેના કારણે નજીકની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અઘરું બની જતું હોય છે. આ સ્થિતિને ‘પ્રેસ્બાયોપિયા’ કહેવાય છે.
બે વર્ષના વિચાર-વિમર્શ પછી તાજેતરમાં ભારતની ‘ડ્રગ રેગ્યુલેટરી એજન્સી’(દવા નિયમનકારી એજન્સી)એ ચશ્માની જરૂરિયાતમાંથી મુક્તિ આપે એવી દવાને મંજૂરી આપી છે. આ એક આઇ-ડ્રોપ (આંખમાં નાંખવાના ટીપાં) છે. મુંબઈ સ્થિત ‘એન્ટોડ ફાર્માસ્યુટિકલ્સ’ દ્વારા વિકસાવવામાં આવેલા આ આઇ-ડ્રોપનું નામ છે ‘પ્રેસ્વુ’ (PresVu).
‘પ્રેસ્વુ’ પિલોકાર્પિનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પિલોકાર્પિન ચેતાતંત્રમાં ઉત્તેજના લાવીને એની કાર્યક્ષમતામાં વધારો કરે છે. ‘પ્રેસ્વુ’ આંખની કીકીના કદને ઘટાડીને પ્રેસ્બાયોપિયાની સારવાર કરે છે, જેનાથી વસ્તુઓને નજીકથી જોવાની ક્ષમતામાં વધારો થાય છે.
આ એક બિન-સર્જિકલ ઉપાય હોવાથી એનો વપરાશ કરવો સરળ છે. એક સમયે ‘પ્રેસ્વુ’નું ફક્ત એક ટીપું આંખમાં મૂકવાનું હોય છે. 15 મિનિટમાં એ અસર કરવાનું શરૂ કરે છે. એની અસર છ કલાક સુધી ચાલે છે. જો પહેલું ટીપું મૂક્યા બાદ ત્રણથી છ કલાકની અંદર બીજું ટીપું મૂકી દેવામાં આવે તો દવાની અસર વધુ લાંબા સમય સુધી ચાલતી હોય છે.
ભારતમાં આ પ્રકારની આ પહેલી જ દવા છે. વિદેશોમાં આવી દવાઓ ઘણા સમયથી મળે છે. ભારતમાં બનતી ‘પ્રેસ્વુ’ ઓલરેડી 60 થી વધુ દેશોમાં નિકાસ કરાય છે.
પ્રેસ્બાયોપિયા માટે વિદેશમાં મળતી દવાઓ ભારતીય આંખો માટે એટલી ઉપકારક નથી હોતી એટલે ‘પ્રેસ્વુ’ને ખાસ ભારતીય આંખો પર પરીક્ષણ કરીને બનાવવામાં આવી છે. ભારતીય આંખો અને કોકેશિયન આંખો (યુરોપ-અમેરિકાના ગોરી ચામડીધારી લોકોની આંખો) વચ્ચે ફરક હોય છે, માટે ‘પ્રેસ્વુ’ એ મુદ્દાને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે. સમગ્ર ભારતના દસ અલગઅલગ સ્થળોએ 250 થી વધુ લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કર્યા બાદ એના પરિણામ હકારાત્મક મળતાં આ દવાને મંજૂરી આપવામાં આવી છે.






Leave a comment