જિલ્લા મથક ભુજ શહેરના રેલવે સ્ટેશન માર્ગે આજે નગરપાલિકાની દબાણ શાખા દ્વારા ફૂટપાથ નજીક ખડકાયેલા ગેરકાયદેસર હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધારવામાં આવી હતી. વ્યવસાયિક હેતુ માર્ગની આજુબાજુ રખાયેલી વિવિધ ચીજ વસ્તુઓ સહિત 20 થી 30 જેટલા હંગામી દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ટ્રેકટર જેસીબી સહિતની સાધન સામગ્રી સાથે દૂર કરવામાં આવ્યા હતા. સુધારાઈની દબાણ હટાવ કામગીરીના પગલે રેલવે સ્ટેશન માર્ગે લોકોની ભીડ પણ જમા થઈ હતી. જોકે, વરસાદ બાદ શહેરમાં અનેક સમસ્યાઓ દરમિયાન તંત્રની દબાણ હટાવ કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં નારાજગી ફેલાઈ હતી.
ભુજ નગરપાલિકાની દબાણ શાખા દ્વારા રેલવે સ્ટેશન માર્ગે દબાણ હટાવ કામગીરી અંગે ચીફ ઓફિસર જીગર પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ માર્ગની ફૂટપાથ આડે બીનઅધિકૃત રીતે વ્યવસાય લક્ષી ગોઠવાઈ ગયેલા દબાણોને આગોતરી સૂચના બાદ આજે દૂર ખસેડવામાં આવી રહ્યા છે. અંદાજીત 20 થી 30 જેટલા હંગામી દબાણો દૂર કરવામાં આવશે. વરસાદના પગલે દબાણ અટકેલી કામગીરી હવે કરવામાં આવી છે.
દરમિયાન સામાજિક કાર્યકર મોહંમદ લાખાએ આ દબાણ હટાવ કામગીરીને લઈ તંત્ર સામે સવાલો ખડા કર્યા હતા કે, હોટેલ આભાં સામે જાહેર માર્ગે દબાણો છે, તો ભીડ ગેટ નજીક મેમણ જમાત ખાનાં સામે વેપારીઓ દ્વારા આખી ફૂટપાથ ઉપર ગ્રીલિંગ કરી દેવાઈ છે એની અરજી પડતર છે, વળી વરસાદ બાદ શહેરમાં અનેકવિધ સમસ્યાઓના નિવારણ કરવાના બદલે અમુક દબાણો ખસેડવા યોગ્ય નથી. જોકે તંત્રએ વરસાદને લઈ અટકેલી કામગીરી હવે શરૂ કરાઇ હોવાનું જણાવ્યું હતું.






Leave a comment