કરોડરજ્જુ શરીરનો આધાર સ્થંભ છે,જો તેમાં ઇજા થાય તો માનવી પરવશ બની જાય છે. જે વ્યક્તિઓ કરોડરજ્જુ કે મણકાની ઈજાથી જીવી રહ્યા છે, તેઓ પોતાના આ મહત્વના અંગની સુપેરે સંભાળ લઈ શકે એ માટે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના ઑર્થો અને સ્પાઇન સર્જને ૫મી સપ્ટે.ના રોજ ઉજવાતા વિશ્વ કરોડરજ્જુ ઇજા દિવસ નિમિતે જાગૃતિ માટે જરૂરી જાણકારી આપી સાવચેત રહેવા માર્ગદર્શન આપ્યું છે.
જી.કે.ના ઓર્થો સર્જન ડો. ૠષી સોલંકીએ કહ્યું કે, કરોડરજ્જુમાં ઇજા પહોંચવાનું મુખ્ય કારણ અકસ્માત,ઊંચાઈથી પડી જવું છે. જેમાં બાંધકામ સ્થળોએ આવા બનાવો બને છે. વિશ્વમાં દર લાખ વ્યક્તિએ ૧૧ લોકો કરોડરજ્જુ ની આવી ભયાનક ઇજાથી પીડિત છે. તેમાં યુવાનોનું પ્રમાણ વધુ છે. ઉપરાંત રમત ગમતથી પણ ઇજા થઈ શકે છે.
કરોડરજ્જુ ને નુકસાન થાય તો હલન ચલન બંધ થઈ જાય છે. લકવો પણ થઈ શકે છે.કુદરતી હાજતથી લઈને દરેક બાબતે માનવી નિર્ભરતા ગુમાવી દે છે. સામાજિક, આર્થિક હાલાકી ભોગવતા થઈ જાય છે માટે તેની સારવાર જરૂરી બની જાય છે. જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં છેલ્લા ૫ વર્ષમાં અંદાજે ૭૦૦ જેટલા કરોડરજ્જુમાં ઇજા પામેલ દર્દીઓને સારવાર આપવામાં આવી છે, તો બીજી બાજુ ૨૦૦ થી વધુ કરોડરજ્જુ ના દર્દીઓનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે.
જી.કે.જનરલમાં આવા ઇજાગ્રસ્ત દર્દીઓને સત્વરે સારવાર મળે એ માટે અતિ આધુનિક ઉપકણોથી સુસજ્જ ટ્રોમા સેન્ટર દિવસ રાત કાર્યરત છે.જે આવા દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે.
કરોડજ્જુની ઇજા કે તેના અન્ય દર્દોથી બચવાના ઉપાય અંગે ડો. સોલંકીએ જણાવ્યું કે,વાહન ચલાવતી વખતે સંભાળ રાખવી, સીટ બેલ્ટ બાંધવો,રસ્તા પરના ખાડાઓથી બચીને ચાલવું, વાહન ધીમે ચલાવવું કેમકે કરોડરજ્જુની ઇજા માટે આવા ખાડા વધુ કારણભૂત હોય છે.અકસ્માત ન થાય તે માટે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું.હેલ્મેટ પહેરવું તેમજ વાહન ચલાવતી વખતે માદક દ્રવ્યોના સેવનથી દૂર રહેવું, વિગેરે સાવચેતી જરૂરી છે.
કરોડરજ્જુના મણકાની ઇજા ખુબજ ગંભીર હોય છે. કેમ કે તે ઇજા પછી તુરત લકવો પણ થઈ શકે છે. શ્વસનતંત્રના સ્નાયુમાં પણ લકવો થઈ શકે.ફેફસાં અને હૃદયની ગતિ અનિયમિત થઈ શકે છે.જે શરીરને પૂરતા પ્રમાણમાં લોહી ન પહોંચાડે તો લોહીનું પરિભ્રમણ ખોરવાઈ જાય છે. આવા સંજોગોમાં તાત્કાલિક સારવાર લેવી હિતાવહ છે.
ઇન્ટરનેશનલ સ્પાઇનલકોર્ડ સોસાયટી દ્વારા દર વર્ષે આ દિવસ ઉજવાય છે.






Leave a comment