સચિવાલયના તમામ વિભાગ અને તાબા હેઠળની કચેરીમાં કાર્યરત કર્મચારી તથા અધિકારીઓ દ્વારા થતી કામગીરીની નોંધણી કર્મયોગી એપ્લિકેશનમાં કરવામાં આવે છે. માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલીના ભાગરૂપે કર્મયોગી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ તમામ કર્મચારી-અધિકારીઓ કરે એ માટે વખતોવખત સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. જુલાઈના અંતમાં એપ્લિકેશનના યુઝર રજિસ્ટ્રેશન સંદર્ભે વધુ એક ઠરાવ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં કર્મયોગી એપમાં યુઝર રજિસ્ટ્રેશન નહીં હોય તો તેનો પગાર અટકાવવાનો નિર્ણય કર્યો છે.
આ સુધારા ઠરાવ અંતર્ગત જે-તે કચેરીના મંજૂર કર્મચારી મહેકમ મુજબની જગ્યા કર્મયોગી એપ્લિકેશનમાં ઊભી થયા બાદ તથા કચેરી ખાતે એડમિન રાઈટ મેળવ્યા બાદ જે-તે કચેરી દ્વારા એડમિન લોગ-ઇનમાંથી યુઝર રજિસ્ટ્રેશનની કામગીરી પૂરી કરવાની રહેશે. જો આ કામગીરી નહીં કરવામાં આવે તો સંબંધિત કચેરીના વડાનો સપ્ટેમ્બરનો પગાર રોકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત સંબંધિત કચેરીના વડા દ્વારા જે-તે મહિનાના પગાર બિલ સાથે કચેરીના તમામ કર્મચારીનું રજિસ્ટ્રેશન કર્મયોગી એપ્લિકેશનમાં થઈ ગયા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તિજોરી અધિકારી દ્વારા પ્રમાણપત્રની ખાતરી કર્યા બાદ જ પગાર બિલ અંગે કાર્યવાહી કરવામાં આવશે, એમ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગત માર્ચ મહિના દરમિયાન પણ સરકાર દ્વારા વધુ અત્યાધુનિક રીતે ઓનલાઇન મહત્તમ કામગીરી થાય એ માટે કર્મયોગી એપ્લિકેશન 2.0 લોન્ચ કરવામાં આવી હતી, જેમાં તબક્કાવાર લીવ, એલટીસી, વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ, કર્મચારીની નોંધણી, સર્વિસ બુક વગેરે મોડ્યૂલ્સને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ સાથી એપ્લિકેશન પરથી છેલ્લાં ત્રણ વર્ષનો કામગીરી મૂલ્યાંકન અહેવાલ કર્મયોગી પર તબદિલ કરાયો છે.
પ્રથમ તબક્કાના પાયલોટ પ્રોજેક્ટમાં લીવ અને એલટીસી મોડ્યૂલ્સનું પરીક્ષણ સફળ થતાં સાથી એપ્લિકેશન 2.0 હેઠળ સચિવાલયના તમામ અધિકારી-કર્મચારીઓ સમાવાયા હતા. આ સમયે એટલે કે 22 માર્ચથી જ રજા, એલટીસી, વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલની અરજી કર્મયોગી એપ્લિકેશન 2.0 પરથી કરવા જીએડી દ્વારા સૂચના આપવામાં આવી હતી. આગામી સમયમાં અન્ય ડેટા પણ તબક્કાવાર મૂકવામાં આવશે એમ અગાઉ થયેલી જાહેરાત અન્વયે પણ આ સુધારા ઠરાવ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. “કર્મયોગી” એપ્લિકેશનનો ઉપયોગ http://www.karmyogi.gujarat.gov.in લિંક પરથી કરી શકાશે. આ એપ્લિકેશનના માર્ગદર્શનમાં કોઈ જરૂરિયાત ઊભી થાય તો આ હેલ્પલાઇન નંબર- 079-232 58576/77, 079-232 55823/25 તથા karmyogi-support@gujarat.gov.in પર સંપર્ક કરી શકાશે.






Leave a comment