હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત ઓરેન્જ તથા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજના દિવસ માટે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની શક્યતાઓને પગલે ઓરેન્જ એલર્ટ તથા પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ આજે ભારે વરસાદને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ કરતા વધુ વરસાદની શક્યતાઓ છે. આ સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં છુટા છવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ગતરોજ કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. ત્યાર બાદ આજે પણ વાતાવરણ વાદળછાયું અને તડકા ભર્યું જ રહ્યું છે. ત્યારે શહેરીજનોને બફારાનો પણ અનુભવ થશે તથા હળવા વરસાદી ઝાપટાને કારણે સામાન્ય ઠંડક પણ અનુભવાઈ શકે છે. મહત્વનું છે કે, વાતાવરણના ઉપરીસ્તરના વાદળો છવાયેલા છે. જેને કારણે સૂર્યના કિરણો ધરતી સુધી પહોંચીને પર ફરી શકતા નથી તથા ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહેતું હોય છે તેથી સૂરજના આ કિરણો ભેજને ગરમ હવા બનાવે છે, તેથી જે જિલ્લામાં વરસાદ નથી પડી રહ્યો ત્યાં બફારાનો અનુભવ રહશે. જોકે, હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુ દરમિયાન આ એક સામન્ય પ્રક્રિયા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જૂનથી આજ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્યાંક અત્યંત ભારે વરસાદને કારણે જરૂરિયાત કરતા 60 ટકા કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગુજરાતના કેટલાક જિલ્લામાં હજુ પણ જરૂરિયાત મુજબનો વરસાદ વરસ્યો નથી. ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યભરમાં સૌથી વધુ 275 ટકા વરસાદ દેવભૂમિ દ્વારકામાં છે, તથા સૌથી ઓછો વરસાદ બનાસકાંઠા જિલ્લામાં વર્ષે છે, જ્યાં જરૂરિયાત કરતા પણ એક ટકા ઓછો વરસાદ નોંધાયો છે. તથા રાજ્યના ચાર મહાનગરોની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 22 ટકા, વડોદરામાં 23 ટકા, સુરતમાં 46 ટકા અને રાજકોટમાં 67 ટકા વરસાદ વરસ્યો છે.






Leave a comment