જી. કે. જન. અદાણી હોસ્પિટલના હેલ્થ પ્રદાતાઓને  ચક્ષુદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવા અનુરોધ

સમગ્ર દેશમાં ઉજવાતા ૩૯માં રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયા નિમિતે જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ‘દ્રષ્ટિની ભેટ, જીવનની ભેટ’, અંતર્ગત ઉજવણી પ્રસંગે ઉપસ્થિત તબીબો, નર્સિંગ સ્ટાફ સહિત દરેકને ચક્ષુદાનને પારિવારિક પરંપરા બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલના કોન્ફરન્સ ખંડમાં ગેઇમ્સના મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લઈ અને મેડિકલ કોલેજના ડીન ડો.એ.એન.ઘોષની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સર્જરી નિષ્ણાત ડો.લક્ષ્મી આહિરે પોતાના ચાવી રૂપ પ્રવચનમાં કહ્યું કે, દેશમાં કોર્નિયાની કુલ જરૂરિયાત સામે માત્ર ૨૫ ટકા જ ચક્ષુનું દાન મળે છે. તેવા સંજોગોમાં હેલ્થ પ્રદાતાઓએ પણ દર્દીઓને ચક્ષુદાન માટે સતત પ્રોત્સાહિત કરતા રહેવાની  આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. 

દર્દીઓના સતત સંપર્કમાં રહેતા નર્સિંગ ભાઈ-બહેનો, લોકોને સમજાવવા મુખ્ય ભૂમિકા નિભાવી શકે એમ છે એવું જણાવી તેમણે વિશેષ માર્ગદર્શન આપતા જણાવ્યું કે, લોકોમાં ચક્ષુદાન પરત્વે અનેક ગેર માન્યતા પ્રવર્તે છે તેમણે આવી માન્યતા,ચક્ષુદાન કોણ કરી શકે, કોણ ન કરી શકે વિગેરે બાબતો ઉદાહરણ સાથે સમજાવી હતી.

સમગ્ર પખવાડિયાની ઉજવણીના આયોજક જી.કે.ના ચક્ષુ નિષ્ણાત ડો.કવિતા શાહના વડપણ હેઠળ આ કાર્યક્રમમાં જણાવાયા મુજબ હોસ્પિટલમાં  ૨૦૧૮ થી અત્યાર સુધીમાં ૨૯૮ ચક્ષુદાન મળ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોને ચક્ષુદાન કરવાની પ્રતિજ્ઞા ડો. ચિંકીત વોરાએ લેવડાવી હતી. પ્રારંભમાં કેક કાપીને ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ચક્ષુ નિષ્ણાત તબીબો ડો.અતુલ મોડેસરા, ડો.સંજય ઉપાધ્યાય, ડો. મોનિકા ઠક્કર, ડો. નૌરીન મેમણ, ડો.મિત પરીખ,  ડો.ચિંતન ચૌધરી, ડો. રાહી પટેલ, ડો.રવિ સોલંકી ઉપરાંત આંખોના પ્રત્યા રોપણ દ્વારા જેમની જિંદગી રોશન થઈ છે તેવા દ્રષ્ટિ ધારકોએ પણ ઉપસ્થિત રહી, તેમના જીવનમાં આવેલા આમૂલ પરિવર્તનનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત જે કોઈ વ્યક્તિ  આંખનું દાન કરવા ઈચ્છતા હોય તેમણે ગેઇમ્સની આઇ બેન્કના મોબાઈલ નંબર: ૯૭૨૬૪ ૩૦૭૮૩ ઉપર જાણ કરવા અનુરોધ કરાયો છે.

એટલેજ નેત્રદાન મહાદાન છે.

જેમણે નેત્રદાન કર્યું છે તેમની આંખો નેત્રવિહિનને મળે ત્યારે તેમને માત્ર દ્રષ્ટિ જ નથી મળતી, પરંતુ સાચા અર્થમાં એક નવી  દુનિયા મળે છે. ચક્ષુદાતાઓ દ્વારા પ્રાપ્ત નયનનું જ્યારે જી.કે.માં પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગોમાં  આંખોનું પ્રત્યારોપણ કરાતાં સાચા અર્થમાં તેમના જીવનમાં દિવ્યતા આવી ગઈ. એક યુવાન કૉલેજમાં ભણતો થયો તો બીજાને નોકરી મળી અને એવા તો કેટલાય આત્મનિર્ભર બની ગયા. એટલેજ તો કહેવાય છે કે ચક્ષુદાન મહાદાન.

Leave a comment

Trending