– ઘૂંટણના સાંધાની શસ્ત્રક્રિયા પૂર્વે દાંતની આગોતરી ચકાસણી સારવારથી કેટલીક જટિલતા ટાળી શકાય
પાચનતંત્રના પ્રવેશદ્વાર સમા મોઢામાં રહેલાં દાંત, ખોરાકને ચાવી અને આગળ મોકલે ત્યાર બાદ જો દાંત, મોઢું, જડબા અને પેઢાની વ્યવસ્થિત સફાઈ ન થાય તો તેમાં લાખો હાનિકારક બેક્ટેરિયા જમા થાય છે, જે લોહી મારફતે હૃદય અને ત્યાંથી શરીરના સાંધા સુધી પહોંચે છે.
જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં સાંધા અને દાંતની આવી પરિસ્થિતિને ધ્યાનમા લઈને ઘૂંટણના ઓર્થો સર્જન દ્વારા દર્દીના ઓપરેશન પહેલા વિવિધ આગોતરા પરીક્ષણના ભાગરૂપે દાંતની સારવાર કરાવવાની ખાસ તકેદારી રાખે છે. જેથી જી.કે. માં દંત ચિકિત્સકો ઓપરેશન પહેલા પણ દર્દીના દાંતની સારવાર કરે છે એમ ડેન્ટિસ્ટ ડો. નિયંતા ભાદરકાએ જણાવ્યું હતું.
સર્જિકલ ઇન્ફેક્શન સાઈટ તરીકે ઓળખાતી આ સારવારથી ઓપરેશનની નિર્ધારિત જગ્યાએ ઇન્ફેક્શન ન થાય એ માટે આ સારવાર દ્વારા ચેપના આક્રમણને દૂર કરી તેની અસર નાબૂદ કરાય છે. દાંતના દૂષિત બેક્ટેરિયા ઓપરેશન દરમિયાન દર્દીના ઘૂંટણમાં બેસાડવામાં આવતા પ્રોસ્થેટિક જોઇન્ટ સાથે ચોંટી ચેપ ફેલાવે તેવી પૂરી દહેશત હોવાથી આ સાવચેતી લેવાતી હોય છે. દાંતમાં જો ઇન્ફેક્શન હોય તો એન્ટિબાયોટિક આપવામાં આવે છે. એમ દંત ચિકિત્સક ડો.નિશાત ખત્રી અને ડો. નિશા મોરડિયાએ કહ્યું હતું.
જો મોઢાનું આરોગ્ય નબળું હોય તો ઘૂંટણની સર્જરી પછી રૂઝ વળવામાં સમય લાગે છે. એટલુંજ નહિ બીજી અનેક સમસ્યા પણ ઊભી થાય છે. દાંતનું ચેકઅપ અને સારવાર ઘૂંટણના ઓપરેશન પહેલા થાય તો દર્દીના શરીરમાં રૂઝ વળવાની ક્ષમતા પણ જાણી શકાય છે તેમજ જો દાંતમાં ચેપ જણાય તો યોગ્ય દવાના ડોઝ નક્કી કરી શકાય છે.
આ ઉપરાંત ઓપરેશન પૂર્વે દાંતની સારવાર, ચકાસણી કરાય તો બીજી અનેક સંભવિત જટિલતા પણ ટાળી શકાય છે. આ રીતે ઓપરેશન પહેલા બી.પી.,ડાયાબિટીસ, હૃદયની ગતિવિધિ ઉપર નજર રખાય છે એમ ઘૂંટણના ઓપરેશન અગાઉ દાંતનું ચેકઅપ પણ કરાવાય છે.






Leave a comment